સુરતમાં ફેશન ડિઝાઈનરની જેમ જન્માષ્ટમી માટે કાનાના વાઘા તૈયાર કરે છે ચાર ધોરણ ભણેલી સૌરાષ્ટ્રીયન મહિલાઓ

Updated: Aug 31st, 2023
– સીંગણપોર વિસ્તારમાં રહેતી મહિલા ભગવાનના વાઘા તૈયાર કરવા સાથે અન્ય મહિલાઓને પણ આપે છે રોજગારી
– માત્ર ચાર ધોરણ સુધી ભણેલા ગીતાબેન મોણપરા પોતાના મનથી શ્રીકૃષ્ણ ભગવાનના વાઘાની ડિઝાઈન તૈયાર કરે છે, મોરપીંછ, ડાયમંડ વર્ક, અને ફ્લાવરના વાધાની ડિમાન્ડ વધી
સુરત,તા.31 ઓગસ્ટ 2023,ગુરૂવાર
જન્માષ્ટમીમાં કાન્હાના વાઘા કેટલાક લોકો ખાસ ડિઝાઇન કરાવડાવે છે તો કેટલાક લોકો ફેશન ડિઝાઈનર પાસે પણ વાઘાની ડિઝાઇન લે છે. જોકે, આ બધા વચ્ચે સુરતની માત્ર ચોથા ધોરણ સુધી ભણેલી મહિલા ફેશન ડિઝાઈનરની જેમ ભગવાનના જાત જાતના વાઘા તૈયાર કરે છે. મહિલાએ શરૂ કરેલા આ ગૃહ ઉદ્યોગમાં તે પોતાની રોજગારી સાથે સાથે અન્ય મહિલાઓને પણ રોજગારી પુરી પાડે છે. વિવિધ ડિઝાઈનના વાઘા તૈયાર કરતી મહિલા કહે છે, ભગવાનના વાઘા માટે ભણતરની નહી પરંતુ ભાવની જરૂર છે તેઓ કાન્હા માટે ભાવથી વાઘા તૈયાર કરે છે એટલે તે વાઘા ભગવાન પર દીપી ઉઠે છે.
સુરતમાં જન્માષ્ટમી પહેલાં કાન્હાના જાત જાતના વાઘાની ડિમાન્ડ વધી જાય છે. સુરતીઓ મોટી સંખ્યામાં ઘરે જન્માષ્ટમીની ઉજવણી કરતાં હોય પોતાના ઘરના મંદિરમાં મુકેલા કાન્હા જન્મ કરાવે છે તે માટે જાત જાતની ડિઝાઈનના વાઘા બજારમાંથી વેચાતા લાવે છે. સુરતમાં વિવિધ ડિઝાઈનના વાઘાની બોલબાલા છે તેવામાં મુળ સૌરાષ્ટ્રના અને હાલ સુરતના સીંગણપોર વિસ્તારમાં રહેતા અને માત્ર ચોથા ધોરણ સુધી અભ્યાસ કરેલા ગીતા મોણપરા સાડી પર સ્ટોન લગાવવા સાથે લેસ લગાવવા નું કામ કરતાં હતા આ કામ કરતાં કરતાં તેઓએ ભગવાનના વાઘા બનાવવાની શરુઆત 12 વર્ષ પહેલા કરી હતી. તેમણે બનાવેલા વાઘાની ડિઝાઇન સારી હોવાથી તેઓએ નાના પાયે વાઘાનો ધંધો શરૂ કર્યો હતો.તેમના પતિ દિનેશ મોણપરા ડાયમંડમાં કામ કરતા હતા તે બરાબર ચાલતો ન હતો તો બીજી તરફ વાઘાની ડિમાન્ડ વધતા તેઓએ પત્ની એ બનાવેલા વાઘા વેચવાનું શરૂ કર્યું હતું. પહેલા એક્ઝીબ્યુશન ત્યાર બાદ દુકાન શરૂ કરી છે. વાઘાની ડિમાન્ડ વધતા પોતાની આસપાસ રહેતી મહિલાઓને ગીતાબહેને વાઘા બનાવવાનું શીખવ્યું હતું અને તેમને રોજગારી પણ આપવાનું શરૂ કર્યું છે. આ મહિલાઓ ભેગા થાય છે અને ભગવાનના વાઘા બનાવે છે. હાલ જન્માષ્ટમી હોવાથી વાઘાની ડિમાન્ડ વધી તેથી વધુ મહિલાઓને રોજગારી મળે છે. તેઓ કહે છે, હાલમાં મોરપીંછ, ડાયમંડ વર્ક, અને ફ્લાવરના વાધાની ડિમાન્ડ વધી છે.
માણસના કપડાના માપ લે તેમ ભગવાનનની પ્રતિમાના માપ સાથે વાઘા સીવી આપવામાં આવે છે
ટેલરની દુકાને કે ફેશન ડિઝાઇન પાસે માણસ કપડા સીવડાવવા જાય અને તેના શરીરનું માપ લઈને કપડાં સીવી આપવામાં આવે છે તેવી જ રીતે કેટલાક ભક્તો ભગવાનની પ્રતિમા લઈને આવે છે અને તેમના માપ આપીને ભગવાનના વાઘા સિવડાવી રહ્યાં છે. સીંગણપોર ગીતાબેન પાસે આવી અનેક પ્રતિમા આવે છે તેમના વાઘા માપથી અને ડિઝાઇન કરીને બનાવવામાં આવેછે. હાલમાં રાધા કૃષ્ણ સાથે સાથે કાન્હાની પ્રતિમા લઈને આવે છે તેના વાઘા માપ પ્રમાણે સીવી આપવામાં આવે છે.