સુરતમાં ખેતરમાં પાણી ખેંચવા માટે ગટરમાં ઉતરેલા ચાર જણા ગૂંગળાયા, એકનું મોત

ફાયર વિભાગની ટીમે ત્રણ જણને બહાર કાઢીને ગંભીર હાલત હોવાથી સારવાર અર્થે ખસેડ્યા
Updated: Sep 4th, 2023
સુરતઃ શહેરના પાલમાં ખેતરમાં સિંચાઈ કરવા માટેનું પાણી ખેંચવા માટે ગટરમાં ઉતરેલા ચાર લોકો ગૂંગળાયા હતાં. આ લોકોમાં એક યુવતી પણ હતી. તેમનો સંપર્ક નહીં થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ચારેયને બચાવી લેવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રેસ્ક્યૂ દરમિયાન ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. જેમની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યારે એક 20 વર્ષિય યુવકનું મોત નિપજ્યું હતું.
ત્રણ પૈકી એકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં ગૌરવપથ રોડ પર એક મહિલા સહિતના ચાર જણા ખેતરમાં પાણીનું સિંચન કરવા માટે પાણી ખેંચવા ગટરમાં ઉતર્યા હતાં.આ ચારમાંથી દર્શન સોલંકી નામના યુવકને ગૂંગળામણ થવા માંડી હતાં. તેનો સંપર્ક નહીં થતાં અન્ય ત્રણ લોકો તેને બચાવવા માટે ગટરમાં ઉતર્યા હતાં. ગૂંગળામણને કારણે ચારેય જણા બેભાન થઈ જવાથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ત્રણને બહાર કાઢ્યા હતાં પણ દર્શન નામનો યુવક મોતને ભેટ્યો હતો. યુવતી સહિત બીજા ત્રણ પૈકી એકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે.