સુરતમાં ખેડૂત સમાજની ઓફીસ તોડી પાડવાનો વિવાદ : અમોને કોર્ટ કે સરકારમાંથી કોઈ મનાઈ હુકમ કે સ્ટેટસ કો મળ્યો નથી : પ્રમુખ

સુરત,તા.01 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
ગુજરાત ખેડૂત સમાજની ઓફીસ પર બુલડોઝર ફેરવવાની ઘટનામાં આજે પુરુષોત્તમ ફાર્મસના પ્રમુખે કહ્યું હતું કે ખેડૂત સમાજે જે કોર્ટમાં દાવો કર્યો છે. એ દાવાને લઈને કોર્ટ તરફથી કે સરકાર તરફથી અમને કોઈ મનાઈ હુકમ કે સ્ટેટસ કો મળ્યો નથી.
ટોક ઓફ ધ ટાઉન બનેલા ગુજરાત ખેડૂત સમાજની ઓફીસ પર બુલડોઝર ફેરવવાની ઘટનામાં પુરુષોત્તમ ફાર્મસના પ્રમુખ મનહર પટેલે પત્રકાર પરિષદમાં ખેડૂત સમાજના અગ્રણીઓ પર ચાબખા માર્યા હતા કે ખેડૂત સમાજે અમારી વીજ કંપનીની લાઈનમાંથી ગેરકાયદે વીજ જોડાણ મેળવીને અમોને બે થી અઢી લાખનું નુકસાન કર્યું છે. આ મંડળીને સૌથી મોટું નુકસાન ખેડૂત સમાજના અગ્રણીઓ થકી જ થયું છે. અમોએ વારંવાર નોટિસો આપી હતી. તેમ છતાં ઓફીસ ખાલી કરી ના હતી. ખેડૂત સમાજ પર આક્ષેપ કર્યા હતા કે આ સંસ્થાને ખેડૂત સમાજના અગ્રણીઓ થકી જ આર્થિક નુકસાન થયું છે. જો ખેડૂતોના હામી અને શુભચિંતક હોય તો શા માટે કામ કરનારી સંસ્થામાં વહીવટદાર મૂકવામાં આવ્યા? શા માટે હાઇકોર્ટમાંથી સ્ટે લાવવો પડ્યો?
બીજી તરફ પાલિકા દ્વારા સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટીના રિપોર્ટના કારણે ઓફીસ મકાન ખાલી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. અમારે કોઈપણ ભોગે મકાન ઉતારી પાડવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કર્યા પછી જ ઓફિસનું ડિમોલેશન કરાયું છે. વધુમાં ખેડૂત સમાજએ કોર્ટમાં દાવો કર્યો છે. એ દાવાને લઈને કોર્ટ તરફથી કે સરકાર તરફથી અમને કોઈ મનાઈ હુકમ કે સ્ટેટસ કો મળ્યો નથી. આવેદન પત્રમાં જે વાત કરી છે કે એ તદ્દન ખોટી અને વાહિયાત છે.
વધુમાં દાવો કરવાથી એમને કોઈ અધિકાર મળી જતો નથી દાવો દાખલ કરવાથી આ પ્રશ્ન લાંબો અને લાંબો ચાલુ રહે અને ગૂંચવાઈ રહે એ એમની મનસાએ દાવો દાખલ કર્યો છે. વધુમાં ખેડૂત સમાજની ઓફીસ ખાલી કરાવવા માટે પોલીસ સ્ટેશનમાં ઓન પેમેન્ટ કરીને બંદોબસ્ત મેળવ્યો છે. એટલે પોલીસની કોઈ ભૂમિકા નથી.
ખેડૂત સમાજ સાથે થયેલી નોટિસની વિગત
15.6.23ના રોજ ખેડૂત સમાજને વપરાશ બંધ કરવા નોટિસ
17.7.23 ભાડા કરાર કેમ રદ ના કરવો તે માટે નોટિસ
16.8.23 મિલની મિલકત પરત આપવા માટે નોટિસ
23.8.23 ઓફીસ ખાલી કરાવવા માટે નોટિસ
28.8.23 ઓફીસ ખાલી કરાવવાની નોટિસનો સ્વીકાર નહિ થતાં દીવાલ પર ચોંટાડવામાં આવી
ખેડૂતોના નામે ભોળા ખેડૂતોને નુકસાન કરી રહી હોય તો પાસા હેઠળ અટકાયત કરો : નરેશ પટેલ
ગુજરાત ખેડૂત સમાજની રજૂઆતની જેમ જ અમો (પુરુષોત્તમ જીન) પણ અરજી આપીશું કે જે વ્યક્તિ ખરેખર ખેડૂતોના નામે ભોળા ખેડૂતોને નુકસાન કરી રહી હોય તો તેમની પાસા હેઠળ અટકાયત કરો. આ વાત પાલ કોટન મંડળીના ચેરમેન નરેશ પટેલે (ભેસાણ) કરી હતી. તેમણે પત્રકારો સમક્ષ ખેડૂત સમાજના આગેવાનોને લઈને આક્ષેપો કર્યા હતા કે ખેડૂત સમાજનું અસ્તિત્વ શા માટે ખેડૂતોના ભલા માટે છે. ખેડૂતોને પાલ કોટનના 27.45 કરોડ રૂપિયા મળ્યા નથી. તેમાં ખેડૂત સમાજ તરફથી એક પણ ઠરાવ થયો જ નથી. જ્યારે જ્યારે પણ સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે ખેડૂત સમાજ દ્વારા વિરોધની જ વાત થાય છે. આ કેસમાં રાજ્ય સરકારના મંત્રીનું કોઈ ઇન્વોલમેન્ટ નથી તેમને ખોટી રીતે પ્રેશરમાં લાવીને આ વિવાદમાં ખેંચવાની વાત છે. વધુમાં ખેડૂત સમાજએ જે ગઈકાલે પોલીસ કમિશનર કમિશનર સમક્ષ જે રજૂઆત કરી એને લઈને અમો પણ રજૂઆત કરીશું કે જે ખરેખર ખેડૂતોના નામે ભોળા ખેડૂતોને નુકસાન કરી રહી છે તે ખેડૂત આગેવાનોની પાસા હેઠળ અટકાયત કરો. આવી સ્ટ્રોંગ રજૂઆત અમે સરકારમાં પણ કરીશું.