સુરતની નર્સ સાથે દુષ્કર્મ કરનાર આર્મીમેનના ભાઈની ધરપકડ

Updated: Sep 19th, 2023
– આર્મીમાં નોકરી કરતા છોટા ઉદેપુરના યુવાને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સુરત-વડોદરામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું
– વડોદરા ખાતે ભાઇના ઘરે લઇ ગયો તો ત્યાં ભાઇએ પણ ફોટો અને વિડીયો વાયરલ કરવાનું કહી દુષ્કર્મ કર્યુ હતું
સુરત,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
આર્મીમાં નોકરી કરતા છોટા ઉદેપુરના યુવાને સુરતની નર્સને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સુરત-વડોદરામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.વડોદરા ખાતે ભાઇના ઘરે લઇ ગયો તો ત્યાં ભાઇએ પણ ફોટો અને વિડીયો વાયરલ કરવાનું કહી દુષ્કર્મ કર્યુ હતું. આ ગુનામાં સિંગણપોર પોલીસે દુષ્કર્મ કરનાર આર્મીમેનના ભાઈની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારની હોસ્પિટલમાં નોકરી કરતી 23 વર્ષીય નર્સને ઇન્સ્ટાગ્રામ થકી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હોસ્પિટલના રહેણાંક રૂમ અને વડોદરા ખાતે રહેતા ભાઇના ઘરે લઇ જઇ અનેક વખત શરીરસંબંધ બાંધનાર આર્મીમેન ઇશ્વર રમેશ રાઠવા (રહે. સાઢલી ગામ, તા. પાવી જેતપુર, છોટા ઉદેપુર) અને તેના ભાઇ વિપુલે ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરતા મામલો સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
આ ગુનામાં સિંગણપોર પોલીસે ગતરોજ આર્મીમેન ઈશ્વરના ભાઈ વિપુલ રમેશભાઇ રાઠવા (રહે.ધર નં.4 શ્રી હરી સોસાયટી, આયુર્વેદીક ત્રણ રસ્તા, પાણીગેટ, વડોદરા. મુળ રહે.સાઢલી ગામ, તા.કવાટ, જી.છોટાઉદેપુર ) ની ધરપકડ કરી હતી.