સિહોરમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓની ઉઘાડી લૂંટ, તંત્ર બેધ્યાન

Updated: Aug 26th, 2023
– બેસન તથા તેલના ભાવ ઘટયા હોવા છતાં ભાવ ઘટાડાતા નથી
– પરપ્રાંતના ભેળસેળયુકત માવાના લાહનો બેરોકટોકપણે વપરાશ કરાતો હોવાની જાગૃત નાગરીકોમાં ચર્ચા
સિહોર : સિહોર શહેરમાં ફરસાણ અને મીઠાઈના વેપારીઓ દ્વારા સરાજાહેર બેરોકટોકપણે ઉઘાડી લૂંટ થઈ રહી છે એટલુ જ નહિ વેપારીઓ દ્વારા અન્ય પરપ્રાંતના નબળી ગુણવત્તાવાળા માવાની મીઠાઈઓ બનાવાતી હોવા છતાં સ્થાનિક સત્તાધીશો મૂક બધિર વલણ અપનાવી રહ્યા હોય જાગૃત નાગરીકોમાં આ હકિકત ટીકાને પાત્ર બની રહેલ છે.
સિહોરમાં ફરસાણ અને મીઠાઈના વેપારીઓ દ્વારા બેસન તથા તેલના ભાવ ઘટયા હોવા છતાં ઉંચા ભાવ વસુલાઈ રહ્યા છે. ભાવનગરના કેટલાક વેપારીઓ દ્વારા સિહોરના મોટા ભાગના વેપારીઓને જાડા અને ઝીણા ગાંઠીયા, સેવ, સક્કરપારા વગેરે અનેક ફરસાણ હોલસેલમાં રૂા ૧૧૦ ના ભાવે પેકીંગમાં આપવામાં આવે છે. તે જ માલના પેકેટ તોડીને સિહોરના વેપારીઓ રીટેલમાં રૂા ૩૦૦ ના ભાવે કિલો વેચી રહ્યા છે. જો ભાવનગરના વેપારીઓ રૂા ૧૧૦ ના ભાવે વેચે તો પણ તેઓને પોસાય છે જયારે સિહોરના વેપારીઓ એ જ બેસન અને એ જ તેલ વાપરતા હોવા છતાં કિલોના રૂા ૩૦૦ ગ્રાહકોની પાસેથી વસૂલીને લૂંટ ચલાવી રહ્યા છે. તેલ અને બેસનના ભાવ વધે ત્યારે ભાવ એકદમ વધારી દેવામાં આવે છે હાલ તેના ભાવ ઘટયા હોવા છતાં પણ તેઓ રૂા ૩૦૦ માં જ કિલો વેચે છે. સિહોરના વેપારીઓ ભાવ ઘટાડવાનું નામ જ લેતા નથી. એટલુ જ નહિ મીઠાઈના મોટા ભાગના વેપારીઓ કૃતિયાણા, પોરબંદર, ભુજ, જુનાગઢ જેવા શહેરમાંથી બનાવવામાં આવતો ભેળસેળયુકત, ડુપ્લીકેટ અને નબળી ગુણવત્તાવાળો માવાનો લહ ડબ્બાઓ અને પ્લાસ્ટીકના કોથળાઓ મોઢે મંગાવીને વેપારીઓ પોતપોતાના ગોડાઉનોમાં, કોલ્ડ સ્ટોરેજમાં સંઘરો કરી રાખે છે અને જરૂરીયાત મુજબની મીઠાઈઓ બનાવીને રીટેઈલમાં રૂા ૪૦૦ થી માંડીને રૂા ૧૦૦૦ સુધીના ભાવે બેરોકટોક વેચી રહ્યા છે. કોઈ વેપારીઓ દૂધ બાળીને માવો બનાવતા નથી, ભેળસેળયુકત લાહમાંથી જ બનાવીને વેચીને ઉઘાડી લૂંટ કરી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. શ્રાવણ માસના તહેવારો નજીક આવી રહ્યા હોય મીઠાઈ અને ફરસાણના વેપારીઓની દુકાન અને ગોડાઉનમાં ભાવનગર જિલ્લા પુરવઠા ખાતુ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરીકોમાં માંગ ઉઠવા પામેલ છે.