શ્રાવણ માસમાં બાર મહાદેવના દર્શનનો ટ્રેન્ડ

– શ્રાવણ માસમાં વીક એન્ડ અને સોમવારે શ્રધ્ધાળુઓ જઈ રહ્યા છે મહાદેવના દર્શને
– સુરતના કેટલાક ઐતિહાસિક મંદિર સાથે દક્ષિણ ગુજરાતના શિવ મંદિરમાં શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળે છે
પ્રતિનિધિ દ્વારા, સુરત, રવિવાર
શ્રાવણ માસની શરૂઆત સાથે જ શ્રધ્ધાળુઓ વધુ ધાર્મિક બન્યા છે અને શ્રાવણ મહિનાના વીક એન્ડ તથા સોમવારે સુરત સહિત દક્ષિણ ગુજરાતના મહાદેવના મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાંથી દક્ષિણ ગુજરાતના 12 મહાદેવના દર્શન માટે જવાનો ટ્રેન્ડ શરૂ થયો છે તેના કારણે ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા લોકોને રોજીરોટી મળી રહી છે. ટ્રાવેલ વાળા સાથે સાથે મંદિરની આસપાસના નાના વેપારીઓને પણ રોજીરોટી મળી રહી છે.
હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે પરશુરામ ની ભૂમિ કહેવાતા તાપી થી વાપી વચ્ચે શિવ મંદિરોનું મહત્વ ઘણું જ વધી જાય છે. શ્રાવણ માસમાં હિન્દુ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ના કારણે અનેક લોકોને રોજીરોટી મળી રહી છે. સુરતમાં છેલ્લા કેટલાક વખતથી શ્રાવણ માસમાં બાર મહાદેવ મંદિર દર્શન કરવાનો શરૂ થયેલો ટ્રેન્ડ આ વર્ષે પણ જોવા મળી રહ્યો છે. મોટા ભાગે શ્રાવણ માસ ના મહાદેવ મંદિરે દર્શન કરવા માટે સોમવારે ઘણો ઉત્તમ ગણવામાં આવે છે. પરંતુ અનેક લોકો નોકરી ધંધા સાથે સંકળાયેલા હોય શનિ-રવિના વીક એન્ડમાં લોકો 12 મહાદેવના દર્શને જઈ રહ્યા છે.
શ્રાવણ માસમાં છેલ્લા કેટલાક વખતથી શ્રદ્ધાળુઓ બાર મહાદેવ મંદિરે દર્શન નો ટ્રેન્ડ શરૂ થયો હોવાથી ટ્રાવેલ્સ નો નાનો ધંધો કરતાં લોકોને રોજગારી ની તકો ઉભી થઈ છે. સુરતમાં નાના ટ્રાવેલ્સ વાળાઓ માટે આ શ્રાવણ મહિનો પણ રોજગારી માટેનો સ્ત્રોત બની રહ્યો છે. સુરતના નાના વાહનો થી માંડીને મોટી બસમાં બાર મહાદેવના દર્શન લોકો જઈ રહ્યા છે. લોકોની શ્રદ્ધાના કારણે ટ્રાવેલ્સ ના ધંધા સાથે જોડાયેલા નાના લોકોની રોજગારી ચાલી નીકળી છે તેની સાથે સાથે રસોઈના ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ રોજગારી મળી રહી છે.
ટ્રાવેલ્સના ધંધા સાથે સંકાયેલા અજય પટેલ કહે છે, શ્રાવણ માસ નાના ટ્રાવેલ્સના ધંધાદારીઓ માટે સંજીવની જેવો સાબિત થઈ જાય છે. વીક એન્ડ અને સોમવારે સુરતથી મહાદેવના દર્શન માટે 50થી વધુ મોટી બસ અને નાના વાહનો અનેક જઈ રહ્યા છે. કેટલાક લોકો ભોજન આપે છે તો કેટલાક લોકો માત્ર નાસ્તો આપે છે. શ્રાવણ માસમાં અનેક મંદિરોમાં ભંડારા ચાલુ હોય એક સમય નાસ્તા અને મંદિરમાં ભંડારામાં ભોજન સાથે પ્રવાસીઓને લઈ જવામાં આવે છે.
ટ્રાવેલ વાળા સાથે સાથે મંદિરની બહાર બેસીને ફુલ પ્રસાદ અને શાકભાજીનો ધંધો કરનારાઓ માટે પણ શ્રાવણ માસના વીક એન્ડ અને સોમવારનો દિવસ વધુ વકરાનો દિવસ બની જાય છે. આમ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરીને પુણ્ય કમાઈ રહ્યાં છે તો શ્રદ્ધાળુઓના કારણે ટ્રાવેલ્સ વાળા સાથે નાનો ધંધો કરનારાઓ માટે પણ આવક માટેનો સ્ત્રોત બની જાય છે.
શ્રાવણ માસમાં આ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર આવે છે
કંતારેશ્વર મહાદેવ- સુરત
– ગળતેશ્વર મહાદેવ- કામરેજ
– ઋઉ મુક્તેશ્વર મહાદેવ – એના
– કનકેશ્વર મહાદેવ – કણાવ
– કેદારેશ્વર મહાદેવ- બારડોલી
– શુકલેશ્વર મહાદેવ- અનાવલ
– ભાવ ભાવેશ્વર મંદિર- બરુમાળ
– તડકેશ્વર મહાદેવ- વલસાડ
– મલ્લિકાર્જુન મહાદેવ – ચીખલી
– સોમનાથ મહાદેવ – મહાદેવ
– અંધેશ્વર મહાદેવ – અમલસાડ
– ગંગેશ્વર મહાદેવ – કછોલી
– કામેશ્વર મહાદેવ – ગડત
– કંતારેશ્વર મહાદેવ- સુરત