વિપક્ષ ખાલિસ્તાની વિચારધારા ધરાવે છે એટલે ઈસરો અભિનંદન નથી આપ્યા : સુરત પાલિકાના શાસક પક્ષ નેતા

Updated: Aug 25th, 2023
– વિપક્ષ પર હાવી થવાની લહાયમાં શાસક પક્ષના નેતા ભેરવાયા
– શાસક પક્ષ નેતા અમિત સિંહ રાજપુત વિપક્ષ પર આક્ષેપ કરતા હતા ત્યારે જ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ એક દિવસ પહેલા અભિનંદનની પોસ્ટની લીંક મોકલી નેતાઓની બોલતી બંધ કરી દીધી
સુરત,તા.25 ઓગસ્ટ 2023,શુક્રવાર
સુરત મહાનગર પાલિકાની આજની અગત્યની સામાન્ય સભામાં વિપક્ષ પર હાવી થવાનો લહાયમાં શાસક પક્ષ નેતા બરોબર ભરાયા હતા. વિપક્ષ ખાલિસ્તાની વિચારધારા ધરાવે છે એટલે ઈસરોને અભિનંદન નથી આપ્યા. આવા આક્ષેપ સાથે જ વિપક્ષી નેતાએ દિવસ પહેલા અભિનંદન આપેલી પોસ્ટ બધાને શેર કરી દેતા શાસક પક્ષ નેતા છોભીલા બની ગયા હતા.
સુરત પાલિકાના પદાધિકારીઓ તરીકેની આજની સામાન્ય સભા છેલ્લી હોવાથી આ સભા ખાસ હતી. આ સભામાં છવાઈ જવા માટે શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત પુરતી તૈયારી કરીને આવ્યા હતા. બે દિવસ પહેલા ચંદ્રયાન-3 ની સફળતાની વાત કરીને આખો દેશ જ્યારે ઈસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપી રહી છે ત્યારે ખાલિસ્તાની વિચારધારા ધરાવનારા આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતાએ વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપી નથી આવું કહીને ફરીથી વિપક્ષને ખાલિસ્તાની વિચારધારા કહીને ઝાટકણી કાઢી હતી. આ સાથે જ અમિતસિંહ રાજપુત વિપક્ષ પર વધુ આક્રમણ કરે તે પહેલાં જ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી ઉભા થઈ ગયા હતા. પોતાના મોબાઈલમાંથી મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી અધ્યક્ષ અને શાસક પક્ષ નેતા સહિત અનેકને લિંક મોકલી હતી જેમાં તેઓએ એક દિવસ પહેલા ઈસરોને અભિનંદન આપેલી પોસ્ટ મૂકી હતી તેના કારણે શાસક પક્ષ નેતા છોભીલા પડી ગયા હતા. આ તકનો લાભ લઈને વિપક્ષે સામો હુમલો કરીને નેતા માફી માગે તેવી માગણી કરી હતી. શાસક પક્ષ નેતા છોભીલા પડી ગયા હોવાથી તેઓએ વાત બીજા પાટે ચઢાવી દીધી હતી.