વડોદરા: લાલબાગ બ્રીજ ખાતે બાઈક ડિવાઇડર સાથે ભટકાતા ચાલકનું મોત

Updated: Aug 23rd, 2023
Image Source: Freepik
વડોદરા, તા. 23 ઓગસ્ટ 2023 બુધવાર
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ ખાતે 15 મી ઓગસ્ટના રોજ બાઈક ડિવાઇડરમાં ભટકાતાં થયેલ અકસ્માતના બનાવમાં ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક મિત્રોને મળવા કરજણ ખાતે જતા અકસ્માત સર્જાયો હતો.
15 મી ઓગસ્ટના રોજ ઝેરોક્ષની દુકાનમાં નોકરી કરતો રાજેન્દ્રસિંહ જાલમસિંહ પરમાર તેના મિત્રની બાઈક લઇ કરજણ ખાતે મિત્રને મળવા માટે નીકળ્યો હતો. તે સમયે લાલબાગ બ્રિજ ઉતરતા કાશી વિશ્વનાથ મંદિર સામે તેનું બાઈક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોય સયાજી હોસ્પિટલમાં સુધારો ન થતા ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે મૃતક સામે અકસ્માતે મોતનો ગુનો લોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.