વડોદરા : પતિ રોકડ રકમ, કાર, સોના ચાંદીના ઘરેણા લઈ છોડી જતો રહ્યો હોવાની પરણીતાએ નોંધાવી ફરિયાદ

Updated: Aug 7th, 2023
વડોદરા,તા.7 ઓગષ્ટ 2023,સોમવાર
લગ્ન બાદ અવારનવાર ત્રાસ આપી પતિ રોકડ રકમ, કાર , સોના ચાંદીના ઘરેણા લઈ છોડી જતો રહ્યો હોવાની ફરિયાદ પરણીતાએ નોંધાવી છે. જેના આધારે પોલીસે પતિ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ સ્ત્રીઅત્યાચાર, ધાકધમકી, દહેજ સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના દક્ષિણ વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય પરણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021 દરમિયાન જીવનસાથી ડોટ કોમ નામની વેબસાઈટ ઉપરથી સીવી શીલચંદર પ્રભાકર (રહે-ફરીદાબાદ, હરિયાણા) સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નનો સીવીની માતાએ વિરોધ કરી કહ્યું હતું કે, મેં કસમ ખાતી હું ઔર મેરી જીદ હૈ કી મેં શાદી કભી નહી ટિકને દુગી ચાહે મુજે કુછ ભી કરના ક્યુ ના પડે. લગ્નના થોડા દિવસ બાદ સાસરિયાઓએ દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અને બંને પક્ષના સગા સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા. હિમાચલ પ્રદેશ ખાતે કુળદેવી માતાના મંદિરમાં આરતી સમયે ઝઘડો થતાં દિયરે મારું મોઢું દિવાલ સાથે ભટકાવી સાસુ તથા દિયરે લાફા માર્યા હતા. પતિ ઘરમાંથી 3.25 લાખ રોકડા, કાર તથા સોના ચાંદીના ઘરેણા લઈ પંજાબ જવાનું કહી રવાના થઈ ગયો હતો. અને તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. ત્યારબાદ મને મેસેજ કરી જણાવ્યું છે કે, જે પણ વાતચીત કરવી હોય તે મારા વકીલ જોડે કરવી મને મેસેજ કરવા નહીં. આમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા ખાતે અવારનવાર માર ઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી છોડી જતો રહ્યો છે.