વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચાર માધ્યમિક શાળામાં ચાર સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ

Updated: Aug 14th, 2023
– ચાલુ શૈક્ષણિક સત્રથી જ ચાર માધ્યમિક શાળા શરૂ કરાઈ છે
વડોદરા,તા.14 ઓગષ્ટ 2023,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરના ચાર ઝોનમાં ચાલુ શૈક્ષણિક સત્રથી ચાર માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ ધોરણ નવ ના ચાર વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. આ ચાર શાળામાં ચાર સ્માર્ટ ક્લાસનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ચાર શાળા સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા-સવાદ, કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળા-વાડી, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા-ગોત્રી અને ડો શ્યામા પ્રસાદ મુખરજી માધ્યમિક શાળા-અટલાદરાનો સમાવેશ થાય છે. આશરે 200 વિદ્યાર્થીઓ ધોરણ નવમાં અભ્યાસ કરે છે. શિક્ષણ સમિતિ તબક્કાવાર હવે બીજા વર્ગો પણ શરૂ કરશે એક ફાઉન્ડેશનના સહયોગથી આ સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવાનો સમારોહ સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા-સવાદ ખાતે આજે સવારે યોજાયો હતો. સ્માર્ટ ક્લાસમાં પરંપરાગત બ્લેકબોર્ડની જગ્યાએ સ્માર્ટ બોર્ડ હોય છે. જેમાં ઓડિયો વીડિયો માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. ટૂંકમાં, આ બોર્ડ એન્ડ્રોઈડ ફોન જેવું જ હોય છે. જેના દ્વારા અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓને કંટાળો પણ રહેતો નથી. શિક્ષણ સમિતિની આશરે 120 થી વધુ પ્રાથમિક શાળામાં સંખ્યાબંધ સ્માર્ટ ક્લાસ બની ચૂક્યા છે, અને 40 બાલવાડી પણ સ્માર્ટ બનાવવામાં આવી છે.