વડોદરા જિલ્લાની ત્રણ નગરપાલિકામાં પ્રમુખ, ઉપ-પ્રમુખ ચૂંટાયા

Updated: Sep 12th, 2023
– ડેસરમાં કોંગ્રેસમાં ભંગાણ : પાંચ સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
વડોદરા,તા.12 સપ્ટેમ્બર 2023,મંગળવાર
વડોદરા જિલ્લાની ત્રણ નગરપાલિકામાં અઢી વર્ષની બીજી ટર્મ માટે આજે ચૂંટણી યોજતા ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતા નિર્વિઘ્ને ચૂંટાયા હતા.
વડોદરા જિલ્લાની પાદરા અને સાવલી નગરપાલિકામાં આજે પ્રમુખ ઉપપ્રમુખની બીજી ટર્મ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પક્ષના પ્રદેશ પ્રમુખે આપેલા મુજબ ત્રણેય નગરપાલિકાના હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા હતા.
ડભોઇ નગરપાલિકામાં પ્રમુખ તરીકે બીરેન શાહ, ઉપ પ્રમુખ તરીકે મનોજ પટેલ, કારોબારી ચેરમેન તરીકે તેજલ બેન સોની અને પક્ષના નેતા તરીકે હર્ષાબેન ચૌહાણ ચૂંટાઈ આવ્યા હતા. ડભોઇમાં કોંગ્રેસના 14 સભ્યો હોવાથી તેમણે પણ ફોર્મ ભર્યું હતું. પરંતુ તેમના ઉમેદવારોનો પરાજય થયો હતો.
પાદરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે મનીષા પટેલ, ઉપપ્રમુખ તરીકે ગૌરવ સોની, કારોબારી ચેરમેન તરીકે સચિન ગાંધી અને પક્ષના નેતા તરીકે સેજલબેન શાહ ચૂંટાયા હતા.
જ્યારે સાવલી નગરપાલિકામાં પ્રમુખ તરીકે હર્ષ પટેલ, ઉપપ્રમુખ તરીકે ચેતન દવે, કારોબારી ચેરમેન તરીકે મોનાબેન શાહ અને પક્ષના નેતા તરીકે શાંતાબેન માળી બિનહરીફ ચૂંટાયા હતા.
બીજી તરફ વડોદરા જિલ્લાની ડેસર તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ ના સભ્યોની સંખ્યા સરખી હતી. જે પૈકી પાંચ સભ્યો આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતા ડેસર તાલુકા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી બની છે. જિલ્લા ભાજપ પ્રમુખે તમામ સભ્યોને ખેસ પહેરાવી આવકાર્યા હતા.