વડોદરામાં ક્રેડિટ કાર્ડમાં ગિફ્ટ વાઉચર આપવાના નામે મહિલા સાથે 7.10 લાખની છેતરપિંડી

Updated: Aug 26th, 2023
image : Freepik
વડોદરા,તા.26 ઓગસ્ટ 2023,શનિવાર
વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં રહેતી મહિલાને ક્રેડિટ કાર્ડ આપવાના નામે પર્સનલ લોન જમા કરાવી તરત જ રકમ વગે કરીને છેતરપિંડી કરવામાં આવી હોવાનો બનાવ બનતા સાયબર સેલે તપાસ કરી છે.
ઇલોરા પાર્કના એશ્વર્યા એપાર્ટમેન્ટમાં રહેતા માલવીકાબેન ગહલોતે પોલીસને કહ્યું છે કે, ગઈ તા.23મી માર્ચ મારા ઉપર રજત સકસેનાના નામે એક્સિસ બેન્કના એક્ઝિક્યુટિવ તરીકે ફોન આવ્યો હતો અને બેંક તરફથી નવું ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને તે એક્ટિવેટ કરશો તો બેંક તરફથી સારી એવી ઓફર પડશે અને ક્રેડીટ કાર્ડની લિમિટ પણ વધશે તેમજ વાઉચર પણ મળશે.
ત્યારબાદ મારા ફોનમાં એક ઓટીપી આવ્યો હતો. જે મારી પાસે માગ્યો હતો અને સામેથી મને બે વાઉચર ઇમેલ પર મળશે કેમ કહી પાનકાર્ડ અને જન્મ તારીખ વેરીફીકેશન કરવા લીધા હતા.
મહિલાએ કહ્યું છે કે મારા ક્રેડિટ કાર્ડની લિમિટ વધારે આપવામાં આવી છે તેમ પણ મને કહેવામાં આવ્યું હતું. રજત સકસેના ત્યાર પછી મારી વાત કુલદીપ સાથે કરાવી હતી અને તેમણે મારી પાસે ત્રણ વખત ઓટીપી લીધો હતો. આ વખતે મારો ઇમેલ આઇડી ચેન્જ થઈ જતા મેં વાંધો પણ લીધો હતો.
ત્યારબાદ મારા બેંક એકાઉન્ટમાં રૂ.7.10 લાખની પર્સનલ લોન જવા થઈ હતી અને બે ટ્રાન્જેક્શન મારફતે આ રકમ ઉપડી પણ ગઈ હતી. મેં બેંકમાં તપાસ કરતા મને ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા હતા અને ધક્કા ખવડાવવામાં આવ્યા હતા જેથી સાયબર સેલને ફરિયાદ કરી હતી.