વડોદરામાં કાળકા માતાના મંદિર પાસે ગૌવંશના હાડકા અને માસ ફેંકી જનારા બે વિધર્મી ઝડપાયા

– લેબોરેટરી પરીક્ષણમાં માસ તથા હાડકા ગૌવંશના હોવાનો રિપોર્ટ આવ્યો
આ કૃત્યમાં સંડોવાયેલ બે શખ્સોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
Updated: Aug 29th, 2023
તાજેતરમાં વડોદરા શહેરના કલ્યાણનગરના કાળકા માતાના મંદિર નજીક અજાણ્યા શખ્સો માસ અને હાડકા ભરેલ કોથળા નાખી જતા ધાર્મિક લાગણી દુભાતા વિવાદ સર્જાયો હતો. બનાવની તપાસ ચલાવી રહેલ પોલીસે આ કૃત્યમાં સંડોવાયેલ બે શખ્સોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે લેબોરેટરી પરીક્ષણમાં માસ અને હાડકા ગૌવંશના હોવાનો રિપોર્ટ આવ્યો છે.
26 ઓગસ્ટના રોજ જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી કે, કલ્યાણનગરના કાળકા માતાના મંદિરની બાજુમાં ગાયની હત્યા કર્યા બાદ તેના કટકા કરી કોથળામાં નાખી ગયા છે. જે વર્ધીના આધારે સયાજીગંજ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તપાસ કરતા કાળકા માતાના મંદિરની નીચેના ભાગે વિશ્વામિત્રી કોતરમાં બે થેલામાંથી તીવ્ર દુર્ગંધ સાથે પશુઓના માસ તથા હાડકા મળી આવ્યા હતા.
આ માસ તથા હાડકા કયા પશુના છે તે ખાતરી કરાવવા માટે ભુતડીજાપા પશુ દવાખાના ખાતે વેટેનરી ઓફિસરને મોકલી આપ્યા હતા. જ્યારે બાકી બે થેલામાં 24 કી.ગ્રા વજનના પશુઓના હાડકાનો સ્થળ પર ખાડો ખોદી નાશ કરવામાં આવ્યો હતો.
બનાવ સંદર્ભે સયાજીગંજ પોલીસ મથકના પી.આઈ બી.પી. ખુમાણએ ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમ્યાન સલીમ હૈદરભાઈ શેખ (કલ્યાણ નગર, વુડાના મકાન) અને સાજીદ ગ્યાસુદીન કુરેશી (હાલ રહે- હાજીઅલીપાર્ક સોસાયટી, મધુનગર, ગોરવા/ મૂળ રહે – મેરઠ) એ વહેલી સવારે હૂડ વગરની રિક્ષામાં આવી આ માસના થેલા નાખ્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી. સીસીટીવી ફૂટેજમાં પણ બંને શખ્સો હૂડ વગરની રિક્ષામાં થેલાઓ લઈ જતા નજરે ચડે છે. જ્યારે વેટેનરી તબીબ દ્વારા માસ તથા હાડકાના સેમ્પલ પરીક્ષણ માટે પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા સુરત ખાતે મોકલતા બાયોલોજીકલ પરીક્ષણ અધિકારીએ ગૌ વંશનું માસ હોવાનું તારણ આપ્યું હતું.
જેથી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રાણી સરક્ષણ અધિનિયમ તથા ધી ગુજરાત પ્રાણી સરક્ષણ (સુધારા ) અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.