લાલપુર નજીક જોગવડમાં રહેતી પર પ્રાંતીય નવ પરણિત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Aug 13th, 2023
– પતિ નોકરીમાં ઓવર ટાઈમ કરવા જતી વખતે અન્ય યુવતી સાથે સંબંધ ધરાવે છે તેવી શંકા વહેમ કરીને જિંદગીનો અંત લાવી દીધો
જામનગર, તા. 13 ઓગષ્ટ 2023, રવિવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી મૂળ છત્તીસગઢની વતની નવપરણીતાએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકનો પતિ ઓવર ટાઈમ કરતો હોવાથી તેને અન્ય યુવતી સાથે સંબંધ છે, તેવી શંકા વહેમ કરીને આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે મેઘપર પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના જોગવડ ગામમાં ભાડાના મકાનમાં રહેતી મૂળ છત્તીસગઢની વતની રીતુબેન મનોજકુમાર વિશ્વકર્મા નામની સાડા અઢાર વર્ષની પરણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર સીલીંગ ફેન માં દુપટ્ટો બાંધી ગળાફાંસ દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પતિ મનોજકુમાર વિશ્વકર્માએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક રીતુબેન ના લગ્ન આજથી માત્ર પાંચ મહિના પહેલાં જ થયા હતા અને પતિ પત્ની જોગવડ ગામે આવીને રહેતા હતા. અને પતિ મનોજ એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો. જે રાત્રી ના સમયે પણ ઓવર ટાઈમ કરતો હોવાથી તેની પત્નીને શંકા ગઈ હતી કે પતિ અન્ય કોઈ યુવતી સાથે વાતચીત કરવા માટે અને સંબંધ રાખવા માટે ઓવર ટાઈમ કરે છે. જે શક વહેમ ના કારણે પોતાની જિંદગીનો અંત લાવી દીધો હોવાનું જણાવ્યું છે. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.