રાજકોટમાં વધુ બે બ્રિજ બનાવવા કવાયત: રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં બે બ્રિજ વચ્ચે વધુ એક બ્રિજ, કટારીયા ચોકડીએ નવા બ્રિજ માટે તૈયારી શરૂ

રાજકોટ32 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે છેલ્લા એકાદ વર્ષમાં 6 જેટલા બ્રિજ બની ચૂક્યા છે ત્યારે હવે સૌથી વધુ ગીચ ટ્રાફિકનો સામનો કરતા 150 ફુટ રીંગ રોડના રૈયા ટેલિફોન એકસચેન્જ ચોકમાં પણ નવો બ્રિજ બનાવવાનું આયોજન મહાનગરપાલિકાએ આગળ વધારી દીધું છે. ટૂંકા અંતરમાં બે બ્રિજની વચ્ચે ત્રીજો બ્રિજ બનાવવાના પડકારને પાર પાડવા મનપાએ કન્સલન્ટન્ટ નિમવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ ઉપરાંત કાલાવડ રોડની કટારીયા ચોકડી ખાતે પણ બ્રિજ નિર્માણ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રોડ ટ્રક સહિતના ભારે વાહનોની અવરજવરથી દબાયેલો રહે છે
પ્રાપ્ત વિગત મુજબ 150 ફુટ રીંગ રોડ પર હાલ પાંચ ઓવરબ્રિજ રહેલા છે. આટલા બ્રિજ છતાં અમુક ચોકમાં ટ્રાફિકનો પ્રશ્ન હજુ પણ ગંભીર રહેલો છે. જેમાં ખાસ રૈયા એકસચેન્જ ચોક, બિગ બાઝાર ચોક જેવા રસ્તે અવારનવાર ટ્રાફિક જામ થાય છે. તેમાં રૈયા એકસચેન્જ ચોક બે મોટા ઇન્દીરા સર્કલ અને રૈયા ચોક વચ્ચેનો માત્ર એક ખુલ્લો રસ્તો છે. આથી, છેક સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી પાર્ક સુધી આ રોડ પરથી વાહનો પસાર થાય છે. ખૂબ જ મોટો રહેણાંક વિસ્તાર ટ્રક સહિતના ભારે વાહનોની અવરજવરથી દબાયેલો છે. આ ચોકમાં ટ્રાફિક સિગ્નલ પણ મૂકવામાં આવ્યા છે પરંતુ, રોજ સવારથી સાંજ સુધી ટ્રાફિક પોલીસે આ ચોકમાં હાજર રહેવું પડે તેવી હાલત હોય છે.

ફલાયઓવર બનાવવા માટે 10 કરોડની જોગવાઈ
નવા નાણાંકીય વર્ષના બજેટમાં આ ગંભીર બાબત ધ્યાને લઇ ચેરમેન પુષ્કર પટેલે રૈયા એકસચેન્જ સર્કલે ફલાયઓવર બનાવવા માટે 10 કરોડની જોગવાઇ કરી હતી. રૈયા ચોક પરથી પસાર થઇને એક બ્રિજ મોદી સ્કૂલ પાસે પૂર્ણ થાય છે તો એકસચેન્જથી આગળ રિલાયન્સ સ્માર્ટ બજારથી શરૂ થતો બ્રિજ ઇન્દીરા સર્કલ અને કે.કે.વી. ચોક ક્રોસ કરી અમીન માર્ગ જંકશને પૂર્ણ થાય છે. આથી, આ બે બ્રિજ વચ્ચેના ચોકમાં કઇ પ્રકારનો અને કેવી લંબાઇ કે પહોળાઇનો બ્રિજ બનાવવો તે માટે નિષ્ણાંતો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી. જેમાં ચોકમાં ઓવરબ્રિજ શકય હોવાનું તારણ નીકળતા કન્સલન્ટન્ટ નીમવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

અનેક વાર ટ્રાફિકજામ વચ્ચે વાહનચાલકો ફસાઈ જાય છે
ત્રણ સલાહકાર એજન્સીએ તેમાં રસ લીધો હતો. જેમાં ડેલ્ફ કંપનીની ઓફર સૌથી નીચી છે. પ્રોજેકટ કોસ્ટના 2.40 ટકા ફી સલાહકારને મળશે. વધુ સારી ઓફર મળે તે માટે અન્ય બે એજન્સીને પણ આ ભાવથી રીપોર્ટ તૈયાર કરવા મીટીંગ કરવામાં આવશે. આ ચોક પાસે થોડા સમય પહેલા ગંભીર અકસ્માતની ઘટના પણ બની હતી. આ ઉપરાંત દિવસમાં અનેક વખત ટ્રાફિકજામ વચ્ચેથી વાહનચાલકોએ પસાર થવું પડે છે. આથી, આ જગ્યા પરથી 150 ફૂટ રોડનો ટ્રાફિક પસાર થઇ જાય તો એકસચેન્જની બંને તરફના રોડનું ભારણ ઘટી શકે તેમ છે.

કમિટિમાં દરખાસ્ત મંજૂર થાય એટલે કામ શરુ થશે
જો બ્રિજનો પ્લાન ગમે તે કારણે આગળ ન વધે તો પણ આ ચોકની ટ્રાફિક સમસ્યા હલ કર્યા વગર છૂટકો નથી. આ ચોક સાથે નવા 150 ફુટ રીંગ રોડ પર સૌથી વ્યસ્ત કટારીયા ચોકડીએ પણ ઓવરબ્રિજ બનાવવા માટેનું આયોજન આગળ વધ્યું છે. આ ચોક માટે પણ ડિઝાઇન અને રીપોર્ટ તૈયાર કરાવવામાં આવનાર છે. સ્ટે. કમિટિમાં આ દરખાસ્ત મંજૂર થાય એટલે કન્સલન્ટન્ટ કામ શરૂ કરશે ત્યારે હવે શહેરમાં વધુ બે બ્રિજ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ થશે તે લગભગ નિશ્ચિત છે.
