બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે બફાટ કરતા ખોડલધામ આકરા પાણીએ, આપી ચેતવણી

ભક્તોની લાગણી દુભાઈ છે ભવિષ્યમાં આ પ્રકારની વિવાદિત ટિપ્પણી ન કરવા સ્પષ્ટ ચેતવણીઃ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ
Updated: Sep 12th, 2023
અમદાવાદઃ સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ ઉકેલાઈ ગયો પરંતુ સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો છે.સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી દેવતાઓેને લઈને આપવામાં આવતા વિવાદિત નિવેદનોથી ભક્તો અને સંતો રોષે ભરાયાં છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ ખોડિયાર માતાજીને લઈને આપેલા નિવેદનને લઈને ભક્તોની લાગણી દુભાઈ છે. તે ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પણ આ પ્રકારની વિવાદિત ટિપ્પણી કરીને મા ખોડલના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં ન આવે અને ભવિષ્યમાં આ પ્રકારની વિવાદિત ટિપ્પણી ન કરવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
સ્વામીએ નિવેદન કર્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા
સ્વામિનારાયણના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી વાયરલ થયેલા વીડિયોમાં બોલે છે કે,ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું.જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા. આ નિવેદન બાદ ભક્તો અને વિવિધ સમાજ રોષે ભરાયા છે. સ્વામીએ નિવેદન કર્યા બાદ પોતાને એક રૂમમાં બંધ કર્યા છે તેમજ ભક્તોને અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું કરીને રૂમમાં ન આવવા આદેશ આપ્યો છે. રૂમ આગળ જ સ્વલિખિત નોટિસ લગાવી દીધી છે.
સંતો સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો
સ્વામિના નિવેદન બાદ લોકગાયક રાજભા ગઢવીએ પણ કહ્યું હતું કે, હવે સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો. હવે આપણે આ તૈયારી કરવી પડશે, ક્યા સુધી આપણે સહન કરીશુ. માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે ખોડિયાર માતા વિશે બોલનારાઓને અને કુળદેવીથી દૂર કરનારાઓને માતાજી નાશ કરશે.કબરાઉ મોગલ ધામના મણિધર બાપુએ કહ્યું કે, સ્વામિનારાયણના સંતો હદ વટાવી રહ્યા છે. તેઓ રાક્ષસ જેવા છે. માતા ખોડિયારનું અપમાન એ અઢારે વરણનું અપમાન છે. ઝેર ઓકતા સંતો સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.