બહેનનાં ચારિત્ર્ય પર શંકા કરીને ભાઈએ દાતરડાનાં ઘા ઝીંક્યા

Updated: Sep 1st, 2023
માળિયામિંયાણાનાં રાયસંગપર ગામનો ચકચારી બનાવ : રાત્રે બહાર ગયેલી બહેન પરત આવતાં કોઈની સાથે ગયાની શંકા રાખીને બહેન પર ખૂની હુમલો કરનાર ભાઈની શોધખોળ
મોરબી, : માળિયા-મિંયાણા તાલુકામાં રક્ષાબંધનના અગલા દિવસે ભાઈએ બહેન પર હિચકારો હુમલો કર્યો હતો શ્રમિક પરિવારની બહેન રાત્રીના જતી રહ્યા બાદ ઘરે પરત આવતા ચારિર્ત્ય પર શંકા કરી ભાઈએ દાતરડાથી હુમલો કરી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બહેનને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાઈ છે. જે બનાવ મામલે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મૂળ રાયસંગપરના વતની અને હાલ મોરબીના પંચાસર રોડ પર રહેતા ખેડૂત પરેશભાઈ બાવરવાએ આરોપી લાલુ વેચનભાઈ ભાણું વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે. કે તેમની રાયસંગપર ગામની સીમમાં જમીન આવેલ છે. જ્યાં બે વર્ષથી લાલુ વેચેનભાઈ ભાણું (રહે મધ્યપ્રદેશ) ખેતમજુરી કરે છે. જેની પત્ની અને બાળકો તેમજ બહેન રવિતા સાથે રહે છે જેમાં તા. ૩૦ ઓગસ્ટના ઓરજ ગામના બાલુભાઈ અમરશીભાઈ બુડાસણાનો ફોન આવ્યો હતો. જેમાં મજુર લાલુએ તેની બહેનને રાત્રીના માર માર્યો છે અને વધુ ઈજા થઇ હોવાનું જણાવ્યું હતું જેથી રાયસંગપર ગામે આવી જોતા રવિતાને માથામાંથી લોહી નીકળતું હતું અને માથામાં ગંભીર ઈજા થઇ હતી. તેમજ ડાબા હાથમાં અને કાનમાં ઈજા પહોંચી હતી. જ્યાં મજુર લાલુ હાજર ના હતો અને તેની પત્ની હાજર હતી. જેથી ૧૦૮ માં ફોન કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.
બાદમાં આરોપીની પત્નીએ જણાવ્યું હતું કે તેની નણંદ રવિતા કોઈને કહ્યા વગર જતી રહી હતી અને રાત્રીના આશરે સાડા અગિયાર વાગ્યે પાછી ઘરે આવતા પતિ લાલુને એવી શંકા ગઈ હતી કે તેે કોઈ સાથે ગઈ હતી. કોની સાથે ગઈ તેમ કહી શંકા કરી પતિ લાલુએ નણંદને ગાળો આપી હતી. જેથી ત્યાં પડેલ લોખંડનું દાતરડું લઈને નણંદ રવિતાને માથાના ભાગે અને હાથમાં તેમજ કાનમાં ઘા મારી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત રવિતાને સારવાર માટે મોરબી બાદ રાજકોટ અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી છે.
આમ ફરિયાદીના મજુર લાલુભાઈ વેચનભાઈ ભાણું (રહે એમપી) એ તેની બહેન રવિતા (ઉ.વ. 20) પર શંકા કરી ગાળો આપી દાતરડાથી માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. માળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.