પાદરામાં દંપત્તીની ક્રુર હત્યાઃ અજાણ્યા શખ્સોએ શ્રમજીવી પરિવાર પર ધારિયાથી હૂમલો કર્યો

હત્યારાઓએ હત્યા કરીને બંનેની લાશ ગોદડામાં લપેટીને નર્મદા કેનાલમાં નાંખી દીધી
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને હત્યાની વધુ તપાસ હાથ ધરી છે
Updated: Sep 15th, 2023
વડોદરાઃ પાદરા તાલુકાના ગણપતપુરા ગામ નજીકની નર્મદા કેનાલ પાસે છાપરૂ બાંધીને રહેતા દંપતિ પર હૂમલો થયો હતો અને તેમની ધારિયાના ઘા મારીને હત્યા કરી દેવાઈ હતી.એટલું જ નહીં હત્યારાઓએ લાશને ગાદલામાં લપેટી કેનાલમાં નાંખીને ફરાર થઈ ગયા હતાં. હત્યાની ઘટનાને લઈને કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. પાદરા પોલીસે કેનાલમાંથી લાશો બહાર કાઢીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. તે ઉપરાંત પોલીસે ઘટના સ્થળેથી હથિયાર તેમજ ગોદડીયો જપ્ત કરી છે.
લાશને ગોદડીમાં બાંધીને કેનાલમાં ફેંકી
પોલીસના જણાવ્યા પ્રમાણે ગણપતપુરા કેનાલ પાસે છાપરૂ બાંધીને રહેતા રમણ સોલંકી ભંગાર વીણીને ગુજરાન ચલાવતા હતાં. ગત મોડી રાત્રે અજાણ્યા લોકોએ આ દંપતી પર ધારીયાથી હૂમલો કરીને તેમની હત્યા કરી છે. તેમની લાશને ગોદડીમાં બાંધીને કેનાલમાં ફેંકીને તેઓ ભાગી ગયા હતાં. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે હત્યાના પુરાવાઓ એકઠા કરવા આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી છે.