પત્નીને બ્લેકમેલ કરતા શખ્સને સમજાવવા ગયેલા પતિ પર ચપ્પુથી હુમલો

Updated: Aug 13th, 2023
Image Source: Freepik
વડોદરા, તા. 13 ઓગષ્ટ 2023, રવિવાર
પાણીગેટ વિસ્તારમાં રહેતી પરણીતાને ફોન કરીને બ્લેકમેલ કરતા શખ્સને સમજાવવા ગયેલા પરિણીતાના પતિ પર છોરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પાણીગેટ વિસ્તારમાં રહેતો યુવક કેટરિંગનો ધંધો કરે છે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે એક અઠવાડિયા પહેલા મારી પત્નીનો મોબાઇલ નંબર કોઈ વ્યક્તિ પાસેથી મેળવીને રમિઝ મલેક ઉર્ફે રાજા મારી પત્નીને ફોન કરતો હતો અને જણાવતો હતો કે તું મારી સાથે વાત કર નહીં તો હું મારી નસ કાપી નાખીશ તેમ કહી મારી પત્નીને બ્લેકમેલ કરતો હતો. જેથી મારી પત્નીએ મને જણાવતાં તે વ્યક્તિને ફોન કરી મારી પત્નીને હેરાન નહીં કરવા માટે સમજાવ્યું હતું. આ સમયે મને ઈબ્રાહીમ બાવાની આઈટીઆઈના ગેટ પાસે મળવા બોલાવતા હું અને મારી પત્ની તથા મારો નાનો ભાઈ આઈટીઆઈ ના ગેટ પાસે ગયા હતા. ત્યારે ત્યાં ગેટ પાસે રમીઝ મલેક ઉર્ફે રાજા ઊભો હતો અમે તેની સાથે વાત કરતા હતા ત્યારે રમિઝ એકદમ ઉસ્કરાઇને અમને ગાળો બોલે અમારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને પોતાની પાસેથી ચપ્પુ કાઢી મને ડાબી આંખ પર ડાબા હાથમાં તથા જમણા હાથ પર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારો ભાઈ છોડાવવા વચ્ચે પડતા તેના પર પણ રમીઝ ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેથી અમે બધા ત્યાંથી બચવા માટે ભાગીને રિક્ષામાં બેસી ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા.