ન્યુ અલકાપુરીના બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં રાતે ખૂની ખેલઃ શંકાશીલ પતિ દ્વારા પત્ની અને બે સાળાની હત્યાનો પ્રયાસ

વડોદરાઃ ન્યુ અલકાપુરીના વનરાજ બંગલોના સર્વન્ટ ક્વાર્ટરમાં ગઇ મધરાતે ખૂનની હોળી ખેલાઇ હોવાનો બનાવ બનતાં ચકચાર વ્યાપી છે.આ બનાવમાં શંકાશીલ પતિએ મધરાતે પત્ની અને તેના બે સાળા પર કુહાડી વડે હુમલો કરતાં ત્રણેય લોહીલુહાણ થયા હતા.
ન્યુ અલકાપુરી વિસ્તારના ગ્રીનવુડ સોસાયટી ખાતે વનરાજ બંગલોના સર્વન્ટ ક્વાર્ટરમાં આઠેક મહિનાથી મહિસાગર જિલ્લાના ભાણપુરા ગામે રહેતા દિલીપ કોયા ડોડીયાર અને તેની પત્ની સુમિત્રા ડોડીયાર(૨૭ વર્ષ) રહેવા માટે આવ્યા હતા.જે પૈકી પતિ ગાર્ડન અને બંગલાની દેખરેખનું કામ કરતો હતો.જ્યારે પત્ની બંગલાનું ઘરકામ અને રસોઇ બનાવતી હતી.
તેમના બે સંતાન પૈકી એક બાળક ગામમાં માતા પાસે રહે છે.જ્યારે બીજું બાળક દંપતી પાસે રહે છે.પતિના શંકાશીલ સ્વભાવને કારણે બંને વચ્ચે રકઝક થતી હતી.જેને કારણે સુમિત્રાના પતિએ સુમિત્રાના કાકાના દીકરા રમેશભાઇ અને હરિશભાઇને બોલાવ્યા હતા.
ગઇકાલે રાતે બંગલાના શેઠને ત્યાં મહેમાન આવ્યા હોવાથી સુમિત્રા અને દિલીપ રાતે બારેક વાગે ઓરડીમાં સૂતા હતા.જ્યારે તેના બંને ભાઇઓ બહાર ઓટલા પર સૂતા હતા. આ દરમિયાન એકાએક બૂમરાણ થતાં સુમિત્રા બહાર દોડી હતી.જે દરમિયાન તેના પતિ દિલીપના હાથમાં કુહાડી જોવા મળી હતી.
દિલીપે સુમિત્રાના બંને ભાઇઓના માથા તેમજ શરીરના અન્ય ભાગે કુહાડીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો.સુમિત્રાએ તેને રોકવાનો પ્રયાસ કરતાં પતિએ તેના માથા અને મોંઢાના ભાગે પણ ઘા માર્યા હતા અને ત્યારબાદ તે ફરાર થઇ ગયો હતો.આ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસના પીઆઇ એમ ડી ચૌધરીએ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
પતિએ ચારિત્ર્ય પર શંકા કરી પાંચ દિવસ પહેલાં બંને સાળાને બોલાવ્યા હતા
પતિના શંકાશીલ સ્વભાવને કારણે સુમિત્રા સાથે વારંવાર બોલાચાલી થતી હતી.પાંચ દિવસ પહેલાં પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ દિલીપે સુમિત્રાના કાકાના બંને છોકરાઓને વડોદરા બોલાવ્યા હતા.તેઓ પાંચ દિવસથી સર્વન્ટ ક્વાર્ટરની બહાર રહેતા હતા.પરંતુ કોઇ ઉકેલ નહિં આવતાં દિલીપે ગઇ રાતે ઓટલે સૂતેલા બંને સાળાની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
ખૂની હુમલા બાદ દિલીપે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
પત્ની અને બંને સાળા પર ખૂની હુમલો કરનાર દિલીપે ઝેરી દવા પી લીધી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.પોલીસના જણાવ્યા પ્રમાણે,દિલીપે દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં હાલમાં તે પણ સારવાર હેઠળ છે.જેથી તેની તબિયત સુધરે ત્યારબાદ હત્યાના પ્રયાસ અંગેના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવશે.
પત્ની બહાર ના આવે તે માટે દિલીપે બહારથી દરવાજો બંધ કર્યો
બંને સાળાને પતાવી દેવા માટે દિલીપ મધરાતે ઓરડીમાંથી ક્યારે બહાર નીકળ્યો તેની સુમિત્રાને જાણ થઇ નહતી.બૂમરાણ મચી ત્યારે સુમિત્રા બહાર નીકળી હતી.પરંતુ ઓરડીનો દરવાજો પાછળથી બંધ હતો.સુમિત્રાએ દરવાજો જોરથી ખખડાવતાં પતિએ ખોલ્યો હતો.આ વખતે તેના હાથમાં કુહાડી હતી અને સુમિત્રાને બૂમો ના પાડીશ નહિંતર તને પણ પતાવી દઇશ તેવી ધમકી આપી હતી.