નોકરીએ ગયા પછી ગુમ થયેલો અંકલેશ્વર પાલિકાનો કર્મચારી વડોદરામાંથી મળ્યો

Updated: Aug 9th, 2023
વડોદરા,તા.9 ઓગષ્ટ 2023,બુધવાર
નોકરીએ જવા માટે નીકળેલો અંકલેશ્વર પાલિકાનો કર્મચારી લાપતા થઈ ગયા બાદ વડોદરામાંથી મળી આવતા તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ભાવેશ કયા કારણસર શહેર છોડી ગયો હતો તે બાબતે પોલીસે તપાસ કરી છે.
અંકલેશ્વરની જૂની શાકમાર્કેટ વિસ્તારમાં રહેતો ભાવેશ મુકેશભાઈ ચૌહાણ ગઈ તા 7 મી એ નગરપાલિકા ખાતે નોકરીએ જવા માટે નીકળ્યો હતો. પરંતુ ત્યારબાદ ઘરે પરત નહીં આવતા તેના પરિવારજનોએ શોધખોળ કરી પોલીસને જાણ કરી હતી.
દરમિયાનમાં ભાવેશનું લોકેશન વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં હોવાની જાણ થતા ભરૂચ પોલીસે સયાજીગંજ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસની ટીમોએ જુદા જુદા સ્થળોએ ચેકિંગ કરી કમાટીબાગની બહાર બાંકડા ઉપર બેઠેલા ભાવેશને શોધી કાઢી ભરૂચ પોલીસને જાણ કરી હતી. ભાવેશના કઝીન બ્રધર તેને લેવા માટે આવતા પોલીસે તેને સોપ્યો હતો.