નર્મદા નદી બે કાંઠે, જિલ્લા કલેકટરે બહાર પડ્યું જાહેરનામું, શાળા-કોલેજો બંધ, નીંચાણવાળા અનેક ગામમાં પાણીનો ગરકાવ

ગઈકાલ સવારથી નર્મદા નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટરે નોંધાઈ હતી. માત્ર 2 કલાકમા સપાટીમાં 23 સે.મી.નો વધારો થયો હતો. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ગુજરાતમાં અવિરત વરસાદ વચ્ચે હવે નર્મદા નદીના આસપાસના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નર્મદાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાના તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લા કલેકટરનું જાહેરનામું
ભારે વરસાદ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે. ક્લેક્ટરે જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI બંધ રાખવા આદેશ કર્યો છે. નીંચાણવાળા અનેક ગામ પાણીમાં ગરકાવ થયા હોવાના કારણે કોઈ જાનહાની ન સર્જાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ડભોઈ તાલુકા અનેક ગામોમાં પૂરની સ્થિતિ
ગઈકાલે રાતે નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ડભોઈ તાલુકાના નંદેરિયા, ચાણોદ, ભીમપુરા, કરનાળી, ફૂલવાડી, માંડવા જેવા ગામોમાં ચારેકોર પાણી ફરી વળ્યા હતા અને પૂરની પરિસ્થિતિ સર્જાય હતી.
ગોલ્ડન બ્રિજ પર 35 ફૂટે પહોંચી
ભરૂચ ખાતે નર્મદા નદીની જળ સપાટી ગોલ્ડન બ્રિજ પર 35 ફૂટે પહોંચી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 1200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો ઉપર ખસેડાયા છે. પુર સંભવિત વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
ચાણોદ ગામમાં પાણી ફરી વળ્યા
નર્મદા ડેમની જળ સપાટી વધવાના કારણે ચાણોદ ગામમાં પાણી ફરી વળ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને SDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ચાણોદના મલ્હાર ઘાટ ખાતેથી SDRFની ટીમ દ્વારા રેસ્કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગની 22 ટીમો ખડે પગે
નર્મદા નદીમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિના કારણે આરોગ્ય વિભાગની ટીમ પણ ખડે પગે જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગની 22 ટીમો દ્વારા આશ્રયસ્થાનોમાં રહેલ તમામ નાગરિકોની આરોગ્ય અંગે તપાસ કરાય હતી.
વાયબ્રન્ટ શાળામાં 60થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા
નર્મદા નદીમાં પૂરને કારણે નાંદોદના માંગરોળ ગામે અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. મળતી જાણકારી મુજબ વાયબ્રન્ટ શાળામાં 60થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે. તંત્ર દ્વારા આ પરિસ્થિતિ સામે રેસ્ક્યૂ કામગીરી શરુ કરવામાં આવી છે.