નર્મદા નદીમાં ઘોડાપૂર: વડોદરા જિલ્લામાં 15,000નું સ્થળાંતર

Updated: Sep 17th, 2023
– નર્મદા નદીના મધ્યે વ્યાસબેટ ખાતે ફસાયેલા મંદિરના મહારાજ અને પરિવારના સભ્યોને બચાવવા એરફોર્સની મદદ લેવાઈ
વડોદરા તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર
નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાંથી 15,000નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર – પોલીસ NDRF અને SDRFની ટીમો દ્વારા મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના ૨૫ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી.
ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના ડભોઈ,શિનોર અને કરજણ તાલુકાના 11 ગામોમાંથી 15,000લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું.
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં ડભોઈના કરનાળીમાંથી 9, નદેરિયામાંથી 17, શિનોરના દિવેર (મઢી)24, બરકાલના 7, માલસરના 84,કરજણ તાલુકાના પુરામાંથી 600, આલમપુરાના 180, લીલાઇપુરાના 25, ઓઝના 24, નાનીકોરલના 130 અને શાયરના 10 સહિત કુલ 15,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકાના બરકાલ ગામ પાસે નર્મદા નદીના મધ્યે વ્યાસબેટ ખાતે મંદિરના મહારાજ સહિત પરિવારના 12 સભ્યો નર્મદા નદીના પુરમાં ફસાઈ ગયા હતા તેમને સલામત બહાર કાઢવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી છે.