દેવાદાર પતિએ પત્નીને પિતાએ આપેલું મકાન વેચવા દબાણ કર્યું, પિયરિયાઓને મારવાની ધમકી આપી

સસરા પણ દારૂના રવાડે ચડીને ઓનલાઈન ગેમ અને શેરબજારમાં દેવુ કરીને બેઠા હતાં
સાસુ પણ દીકરાનો પક્ષ લઈને પરીણિતાને નાની નાની વાતોમાં મ્હેણાં ટોણા મારતી હતી
Updated: Aug 24th, 2023
અમદાવાદઃ શહેરમાં લગ્ન બાદ દહેજ અને રૂપિયાની માંગણીઓ થવાથી અનેક પરિણીતાઓ સંસાર બચાવવા ઝઝૂમી રહી છે. દહેજના દૂષણને લઈને સમાજમાં અનેક મહિલાઓ ભોગ બની રહી છે. ત્યારે શહેરમાં વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઓનલાઈન ગેમ તથા શેર બજારના રવાડે ચડેલા પતિ અને સસરાએ દેવું થઈ જતાં પરીણિતાને તેના પિતાએ આપેલું મકાન વેચીને પૈસા આપવા દબાણ કર્યું હતું. પતિ દ્વારા તેને મારઝૂડ કરી બિભત્સ ગાળો બોલવામાં આવતી અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. જેથી પરિણતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સસરા અને પતિને દેવુ થઈ જતાં પૈસા માટે દબાણ કર્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે બિનિતા ( નામ બદલેલ છે)ના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ હાર્દિકભાઇ પટેલ સાથે થયા હતાં. લગ્ન બાદ તેને સંતાનમા ચાર માસની એક દિકરી છે. લગ્ન બાદ તે સાસરીમા રહેવા ગઈ હતી જ્યાં સાસરી વાળાએ તેને શરૂઆતમાં છ મહિના સારી રીતે રાખી હતી. ત્યાર બાદ તેના પતિ તેમજ સસરા ઓનલાઇન ગેમ તેમજ શેર માર્કેટમા રૂપિયા હારી જતાં દેવુ કર્યું હતું અને તેઓ દારૂ પીવાની ટેવ વાળા હતાં. આ બાબતે બિનિતા તેમને કેહવા જતી ત્યારે તેઓ તેની સાથે બોલાચાલી ઝગડો કરતાં હતાં. તેઓને દેવુ થઇ ગયું હોવાથી તેના પિતાએ ભેટમા આપેલું મકાન પતિ, સાસુ તથા સસરા તેને વેચવા માટે દબાણ કરતા અને મકાન વેચી રૂપિયા આપવાનુ કહેતા હતાં.
ઝગડો કરીને શારીરીક માનસીક ત્રાસ આપતા
બિનિતાને સાસુ ઘરકામ બાબતે તેમજ નાની નાની બાબતે અવાર નવાર મહેણા ટોણા મારતા અને પતિને દેવુ નહિ કરવા બિનિતા સમજાવતી તો તેને અવાર નવાર ગંદી અને બિભસ્ત ગાળો આપીને નાની નાની બાબતે બોલા ચાલી કરીને શારીરીક માનસીક ત્રાસ આપતા હતાં. પતિને સાસુ સસરા તેની વિરુધ્ધ કાન ભંભેરણી કરતા હતાં. તેના પતિ ગુસ્સે થઇ મારઝુડ કરતા રહેતા અને બિનિતાને ઘર કરવુ હોવાથી બધુ મુંગા મોઢે સહન કરતી હતી. બિનિતા જ્યારે પ્રેગનેટ હતી ત્યારે આ લોકોના ત્રાસથી પિયર રહેવા આવી ગઈ હતી. આ દરમ્યાન તેના પતિ પિયરમાં આવીને રૂપિયા લેવા માટે ખુબજ દબાણ કરતા અને સાથે ઝગડો કરીને શારીરીક માનસીક ત્રાસ આપતા હતાં.
પરિવારને મારવાની ધમકી આપતા
આ દરમ્યાન બિનિતાને દિકરીનો જન્મ થયેલ અને તેના પતિ તેને અવાર નવાર ફોન કરીને પૈસાની માગણી કરતા અને પૈસા નહિ આપે તો પરિવારને મારવાની ધમકી આપતા તેમજ મારી દિકરીને લઇ જવાનુ કહેતા હતાં. આ બાબતે અવાર નવાર સામાજીક રીતે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં સાસરી વાળા તેને હેરાન પરેશાન કરતા હતાં જેથી કંટાળીને બિનિતાએ તેના પતિ અને સાસુ સસરા સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.