ટ્રેનમાં મોબાઈલ ચોરીની આશંકા સાથે ઝડપાયેલા યુવાન પાસેથી દારૂની બોટલો મળી

Updated: Aug 6th, 2023
વડોદરા, તા. 06 ઓગષ્ટ 2023, રવિવાર
જયપુર એક્સપ્રેસ ટ્રેનનાં રિઝર્વેશન કોચમાં રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક મહિલા કોન્સ્ટેબલને જોઈ એક શખ્સ ભાગીને કોચના શૌચાલયમાં ઘૂસી ગયો હતો. પોલીસે શૌચાલનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદર ઘૂસી ગયેલા શખ્સે દરવાજો ખોલ્યો ન હતો જેથી મહિલા કોન્સ્ટેબલે પોલીસ કન્ટ્રોલરૂમમાં વરધી લખાવી હતી કે એક શખ્સ મોબાઇલ ચોરીને શૌચાલયમાં છૂપાયો છે.
દરમિયાન ટ્રેન રાત્રે 1 વાગે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર આવતા પોલીસના અન્ય માણસો કોચમાં જઈને શૌચાલયને ખોલાવતા અંદરથી એક યુવાન બેગ સાથે બહાર આવ્યો હતો. પોલીસે તેને ટ્રેનમાંથી ઉતારી મોબાઈલ અંગે પુછપરછ કરતા પોતાની પાસે નહિ હોવાનું કહ્યું હતું. પોલીસે તેની પાસેની બેગ તપાસતાં બેગમાંથી દારૂની બે ડઝન બોટલો મળી હતી. આ અંગે ઝડપાયેલા શખ્સ વિવેક શકર લોહાણા રહે.સયાજીગંજની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.