જૈન સમાજ માટે પ્રેરણાદાયી પ્રસંગ: સિનિયર સિટીઝન દ્વારા વડોદરામા પ્રથમ વખત 80 દિવસ માત્ર ગરમ પાણી પીને ઉપવાસની તપશ્ચર્યા

0

Updated: Sep 19th, 2023


– જીવલેણ હુમલામાં બીજું જીવત દાન મળ્યું અને હેમંત મકાતીના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો: અઠ્ઠાઈથી માંડી સિદ્ધિતપના ઉપવાસ કર્યા

વડોદરા,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર

પર્વાધીરાજ પર્યુષણ પર્વ જૈન સમાજ માટે મહત્વનું પર્વ છે જેમાં અનેક લોકો વિવિધ પ્રકારના ઉપવાસની તપશ્ચર્યા કરી કર્મક્ષય અને આત્મશુદ્ધિ કરવા પ્રયાસ કરે છે ત્યારે વડોદરામાં પ્રથમવાર એકમાત્ર સિનિયર સિટીઝને માત્ર ગરમ પાણી ઉપર રહી 80 દિવસના ઉપવાસ કર્યા છે. એટલુ જ નહિ તેમણે માત્ર પાંચ થી સાત વર્ષના સમય દરમિયાન તમામ પ્રકારના 1000 થી વધુ દિવસના ઉપવાસ કરતા જૈન સમાજના લોકો તેમને હવે તપસ્વી સમ્રાટનું બિરૂદ આપી બોલાવી રહ્યા છે. જેઓ વડોદરાના જૈન સમાજ માટે ગૌરવ રૂપ અને પ્રેરણાદાયી બન્યા છે.

માંજલપુર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય હેમંતભાઈ મકાતી પર સાત આઠ વર્ષ પૂર્વે ધંધાકીય બાબતમાં કેટલાક વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો હતો જેથી તેઓ જીવન મરણ વચ્ચે સતત એક મહિના સુધી ઝોલા ખાતા રહ્યા હતા અને નસીબ જોગે તેઓનો આબાદ બચાવ થયો હતો અને બીજું જીવન પ્રાપ્ત થયું હતું અને ત્યારથી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. પરિવારમાં ધાર્મિક વાતાવરણ હોવાથી તેઓ જૈન સમાજના મહારાજ સાહેબોની સાથે સંપર્કમાં આવ્યા અને તેઓએ એક પછી એક તમામ પ્રકારના ઉપવાસ અને તપશ્વર્યા શરૂ કરી. રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ અને રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી તેઓએ દરેક પ્રકારના ઉપવાસની તપસ્યા કરી અને તપસ્વી સમ્રાટ તરીકે જૈન સમાજના અગ્રણીઓ બોલાવતા થયા છે.

માંજલપુરના હેમંત મકાતીને બીજું જીવન પ્રાપ્ત થયું અને જીવન પરિવર્તન બાદ પ્રારંભમાં દર મહિને ચાર ઉપવાસ શરૂ કર્યા હતા ત્યારબાદ તેમણે અઠ્ઠાઈ, નવું, તેર ચોવીયારના ઉપવાસ શરૂ કર્યા તેમણે અઠ્ઠાઈના 11વખત ઉપવાસ કર્યા નવુંના બે વખત અને 13 ઉપવાસ એક વખત કર્યા હતા. ત્યારબાદ તેમણે 30 અને 36 દિવસના ઉપવાસ માત્ર ગરમ પાણી પીને કરી આકરી તપશ્ચર્યા કરીને આત્મ શુંદ્ધી કરવાનો પ્રયોગ કર્યો હતો જેમાં તેઓ સફળ થયા હતા. 30 અને 36 દિવસના માત્ર ગરમ પાણી પીને ઉપવાસ પૂર્ણ કરવામાં સફળ થયા ત્યારબાદ તેમણે વર્ધમાન ઉપવાસ આઈ આંયબિલની 44 ઓળી પૂર્ણ કરી હતી. 

વડોદરાના હેમંત મકાતી ઉપવાસ તપશ્ચર્યા કરવામાં આટલેથી અટક્યા નહીં તેમણે ચોવીયાર ઉપવાસથી વર્ષી તપની શરૂઆત કરી વર્ષી તપમાં જે ઉપવાસ આવે તે ચોવીયાર ઉપવાસ કર્યા જેમાં 200 દિવસના ઉપવાસ તેમાં એક દિવસ જમવાનું નહીં અને પાણી પણ નહીં પીવાનું બીજા દિવસે માત્ર આયંબિલ કરવાનું અને એક જ ટાઇમ બાફેલા કઠોળ આરોગીને ઉપવાસ કરવાના હોય છે તે ઉપવાસ પણ પૂર્ણ કર્યા.

તેમણે સિદ્ધિ તપના ઉપવાસ પણ કર્યા જેમાં પહેલો દિવસ ઉપવાસ બીજા દિવસે બે સમય જમવાનું પછી બે દિવસ ઉપવાસ કરવાનો અને એક દિવસ જમવાનું ત્યારબાદ ત્રણ દિવસ ઉપવાસ અને પછી એક દિવસ જમવાનું ચાર ઉપવાસ અને એક દિવસ જમવાનું પાંચ દિવસ ઉપવાસ અને એક દિવસ જમવાનું છ દિવસ ઉપવાસ અને એક દિવસ જમવાનું એ રીતે 36 દિવસના ઉપવાસ પાણી કે અન્ન લીધા વીના કરવાના અને આઠ દિવસ જમવાનું મળી કુલ 42 દિવસનું સિદ્ધિ તપ કર્યું હતું.  

માંજલપુરના હેમંત મકાતીએ વડોદરામાંથી એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેઓએ પ્રથમવાર 80 દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા છે તેમણે બીજી જુલાઈથી કર્મક્ષય અને આત્મશુદ્ધિ માટે માત્ર ગરમ પાણી પર રહીને ઉપવાસ શરૂ કર્યા હતા જે આજે સંવત્સરીના દિને 80 દિવસના ઉપવાસ પૂર્ણ થયા છે.

જૈન ધર્મમાં દરેક પ્રકારના ઉપવાસની તપશ્ચર્યા હેમંતભાઈ મકાતીએ કરી જેથી હવે જૈન સમાજના અગ્રણીઓ તેમને તપસ્વી સમ્રાટ તરીકે બોલાવતા થયા છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW