જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં કોળી સમાજે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

કોળી સમાજે પત્રકાર પરિષદમાં પોલીસ પર ભીનું સંકેલવાનો આરોપ લગાવ્યો
કાર્યવાહી નહીં થાય તો સમાજ દ્વારા આવેદનપત્રો આપી ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારાઈ
Updated: Sep 11th, 2023
રાજકોટઃ જેતપુરમાં તાજેતરમાં એક મહિલા કોન્સ્ટેબલે પોલીસ ક્વાટર્સમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક કોન્સ્ટેબલ જસદણના શિવરાજપુર ગામના વતની હતી અને છેલ્લા બે વર્ષથી જેતપુર સિટી પોલીસમાં ફરજ બજાવતા હતાં. આ ઘટના બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. સમગ્ર ઘટનાને પાંચ દિવસ વિત્યા બાદ પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાનો કોળી સમાજે આરોપ લગાવ્યો હતો અને આજે પત્રકાર પરિષદ યોજી હતી.
ત્રણ સાથી પોલીસકર્મીઓની ચેટ જાહેર કરી
સમાજના આગેવાનોએ આજે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં મૃતક કોન્સ્ટેબલ સાથે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મનદીપ, અભયરાજસિંહ જાડેજા અને વિપુલ ટીલાળા નામના ત્રણ સાથી પોલીસકર્મીઓની ચેટ જાહેર કરી હતી. સમાજના આગેવાનોએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પોલીસકર્મીઓના નામ આવતા પોલીસ દ્વારા આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કાર્યવાહી કરવા 24 કલાકનું અલ્ટીમેટમ
કોળી સમાજના આગેવાનોએ આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરવા 24 કલાકનું અલ્ટીમેટમ આપીને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને આવેદનપત્ર આપ્યું છે. જો પોલીસ યોગ્ય કાર્યવાહી નહિ કરે તો આગામી દિવસોમાં આવેદનપત્રો આપવામાં આવશે અને સાથે જ ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.