જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રિક્ષામાંથી ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ: ચારની અટકાયત

Updated: Sep 17th, 2023
Image Source: Freepik
– જામનગરમાં મોહનનગર આવાસમાં એક મકાન પર દારૂ અંગે દરોડો: દારૂના ધંધાર્થી ની અટકાયત
જામનગર, તા 17 સપ્ટેમ્બર 2023, રવિવાર
જામનગર શહેરમાં બે સ્થળે દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા છે. હવાઈ ચોક વિસ્તારમાંથી રિક્ષામાં દારૂ સાથે નીકળેલા ચાર શખ્સો ની પોલીસે અટકાયત કરી છે, જ્યારે મોહન નગર વિસ્તારમાં આવાસ ના ફ્લેટ માંથી એક શખ્સની દારૂ સાથે અટકાયત કરાઈ છે.
જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા હવાઈચક વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક રીક્ષા શંકાસ્પદ હાલતમાં નીકળતાં પોલીસે તેને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન રિક્ષા ની અંદર થી 47 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.
તેથી પોલીસે દારૂ અને રિક્ષા કબજે કરી લીધા છે, જ્યારે રીક્ષા ની અંદર બેઠેલા ચાર શખ્સો રાજેશ ઉમેદભાઈ વારા, હિમાંશુ રાજેશભાઈ ચુડાસમા, રિતેશ સુરેન્દ્રભાઈ જેઠવા, અને ધાર્મિક હિતેશભાઈ દાઉદીયા ની પોલીસે અટકાયત કરી લીધી છે .
આ ઉપરાંત બીજો દરોડો મોહન નગર નજીક આવાસના બિલ્ડીંગ નંબર -18 ફ્લેટ નં 204માં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જયેન્દ્ર શશીકાંતભાઈ બદાણીની અટકાયત કરી લઈ તેના ફ્લેટમાંથી ત્રણ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબજે કર્યો છે.