જામનગરમાં મેહુલસિનેમેક્સ રોડ પર અડધી રાતે ટ્રક ચાલકને રોકી માર મારી લૂંટી લેવાયો

Updated: Aug 23rd, 2023
Image Source: Freepik
ટ્રકમાં પણ તોડફોડ કરીને રૂપિયા ૫,૦૦૦ ની લૂંટ ચલાવવા અંગે ઇકો કારમાં આવેલા પાંચ શખ્સો સામે ફરિયાદ
જામનગર, તા. 23 ઓગસ્ટ 2023 બુધવાર
જામનગરમાં મેહુલ સિનેમા રોડ પર અડધી રાતે વાહન ઓવરટેક કરવાના પ્રશ્ન એક ટ્રક ચાલકને માર્ગમાં આંતરીને માર મારી ટ્રકમાં તોડફોડ કરી નાખી હતી, અને તેની પાસેથી રૂપિયા પાંચ હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ઇકો કારમાં આવેલા પાંચ શખ્સો ભાગી છૂટ્યા હતા. જે પાંચેય લૂંટારૂરો સામે પોલીસ ફરિયાદ નોંધાવાતાં સીટી સી. ડિવિઝન પોલીસની ટુકડી અને શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીકમાં ઢીંચડા રોડ ઉપર રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો ફારૂક મોહમ્મદભાઈ ઘઢકાઇ નામનો ૨૯ વર્ષનો યુવાન ગઈકાલે મોડી રાતે ૩.૩૦ વાગ્યે મેહુલ સિનેમેક્સ પાસેથી પોતાનો ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ઈકો કારમાં આવેલા પાંચ જેટલા અજાણ્યા શખ્સો કે જેઓએ ટ્રકની આડે પોતાની કાર રાખી દઇ ટ્રક ચાલકને નીચે ઉતાર્યો હતો, અને તેને માર માર્યો હતો.
તેમની સાથે રહેલા અન્ય બે વ્યક્તિ પર પણ હુમલો કરી ટ્રકમાં તોડફોડ કરી નાખી હતી, અને રૂપિયા પાંચ હજારની રોકડ રકમ ની લૂંટ ચલાવી તમામ ભાગી છુટ્યા હતા.
જે સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ટ્રક ચાલક ફારુકભાઈ ઘઢકાઈની ફરિયાદના આધારે પોલીસે પાંચ લૂંટારુઓ સામે લુંટ અને મારકુટ કરવા અંગે ફરિયાદ નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.