જામનગરમાં નવાગામ (ઘેડ) વિસ્તારમાં રહેતા શાકભાજીના વેપારી યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Aug 20th, 2023
જામનગર, તા. 20 ઓગષ્ટ 2023, રવિવાર
જામનગરમાં નવાગામ (ઘેડ) નજીક જાસોલીયા સોસાયટીમાં રહેતા શાકભાજીના વેપારીએ આર્થિક સંકળામણના કારણે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ નજીક જાસોલિયા સોસાયટીમાં રહેતા અને શાકભાજી નો વેપાર કરતા મિલન ભરતભાઈ ડાભી નામના ૨૪ વર્ષના વેપારી યુવાને ગઈકાલે પોતાના ઘેર છતના રૂફમાં લગાવેલી લોખંડની આડશમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતકના બનેવી મહેશ રમેશભાઈ પારેજીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન ના મહિલા પી.એસ.આઇ. એસ.વી. સામાણીએ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિત કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક મિલન ડાભી કે જે શાકભાજી નો વ્યવસાય કરતો હતો, અને પોતે ઘરમાં એકલો જ કમાવવા વાળો હતો. પરંતુ તેનો ધંધો બરોબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણ ભોગવતો હતો. જેના કારણે આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર કરાયું છે.