જન્માષ્ટમીની ઉજવણી બાદ સુરતીઓમાં ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારી

Updated: Sep 11th, 2023
ચંદ્રયાન ની સફળતા બાદ શહેરના અનેક ગણેશ ભક્તો ચંદ્રયાન થીમ પર શ્રીજીની કરશે સ્થાપના
શહેરના અનેક જગ્યાએ ગણેશ મંડપમાં ચંદ્રયાન-3 સાથે સાથે સંસદમાં મુકાયેલા શાસનનું પ્રતિક સેંગોલની કૃતિ પણ જોવા મળશે
સુરત, તા. 11 સપ્ટેમ્બર 2023 સોમવાર
સુરતમાં દબદબાભેર જન્માષ્ટમીની ઉજવણી બાદ આવતા ગણેશ ઉત્સવની સુરતીઓ તડામાર તૈયારી થઈ રહી છે. સુરતમાં આ વર્ષે ગણપતિ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. સુરતમાં દર વર્ષે નીતનવી થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ભારતમાં બનેલી બે અદ્દભુત ઘટના બની હતી તે બન્ને થીમ પર અનેક જગ્યાએ ગણેશ સ્થાપના કરવામાં આવશે. ભારતે કરેલી ચંદ્રયાન-3 ની સફળતા બાદ અનેક જગ્યાએ શહેરમાં ચંદ્રયાન-3 ની કલાકૃતિ જોવા મળશે. સાથે સાથે ભારતની સંસદમાં મુકવામાં આવેલા શાસનનું પ્રતિક સેંગોલની કૃતિ પણ જોવા મળશે.
ભારતને મળેલી ચંદ્રયાન -3ની સફળતા બાદ ભારતીયો ચંદ્રયાન-3 ની સફળતાને અનેક રીતે બિરદાવી રહ્યાં છે. ચંદ્રયાનની સફળતા કેટલીક જગ્યાએ જન્માષ્ટમીની ઉજવણી માં પણ જોવા મળી હતી. ચંદ્રાયન 3ની સફળતા પહેલાં જ કેટલાક ગણેશ ભક્તોએ ચંદ્રયાન થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી માટે નિર્ણય કર્યો હતો. જેના કારણે શ્રીજીની પ્રતિમા બનાવનારા અનેક પ્રતિમા કારોને આ થીમ માટે અનેક ઓર્ડર મળ્યા છે. ચંદ્રયાન -3ની થીમ પર ડેકોરેશન સાથે શ્રીજીની પ્રતિમા બનાવનારા સુરેશ કોરપે કહે છે, દર વર્ષે નવી નવી થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે ચંદ્રયાન લોન્ચ થાય તે પહેલાં કેટલાક લોકોએ અમને આ થીમ સાથે શ્રીજીની પ્રતિમા નો ઓર્ડર કર્યો હતો. આ થીમ પર ડેકોરેશન માટે નેટ પરથી ચંદ્રની ધરતીના ફોટોગ્રાફ લઈને તેની સાથે જ થીમ બનાવવામાં આવી છે. બ્રહ્માંડનું ચિત્ર બનાવવા સાથે તેના પર અષ્ટ ગણેશ મુકવામાં આવ્યા છે તેની સાથે ચંદ્રયાન 3ની કૃતિ પણ મુકવામાં આવી છે.
આ સાથે સાથે સંસદમાં શાસનનું પ્રતિક સેંગોલની કૃતિ પણ બનાવવામાં આવી છે. સેંગોલની કૃતિ માટે અમે દરેક પાર્ટના અલગ અલગ ફોટા બનાવ્યા હતા અને તે મુજબ અમે સેંલોગની પ્રકૃતિના ભાગ ભેગા કરીને સેંગોલ બનાવવામાં આવ્યો છે તે કૃતિ પણ ગણેશજીના મંડપમાં જોવા મળશે.
ચંદ્રયાન -3 થીમ પર શ્રીજીની પ્રતિમા નો ઓર્ડર કરનારા ભરત દોરાબ દારુવાલા કહે છે, ચંદ્રયાન લોન્ચ થાય તે પહેલાં જ મને શ્રધ્ધા હતી કે ભારતનું આ મિશન સફળ થશે. તેના કારણે અમે પહેલાથી જ ચંદ્રયાન ની કૃતિ સાથે સાથે સેંગોલ બનાવવા માટે પણ ઓર્ડર કરી દીધો હતો. અમારી જેમ જ અનેક લોકોએ ચંદ્રયાન 3ની થીમ પર શ્રીજીની પ્રતિમા નો ઓર્ડર કર્યો છે. જેના કારણે અનેક ગણેશ મંડપમાં શ્રીજીની પ્રતિમા સાથે સાથે ચંદ્રયાન -3 ઉપરાંત સેંગોલની પ્રતિકૃતિ જોવા મળશે.