છેતરપિંડી કેસમાં રિમાન્ડ પૂર્ણ થતાં કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરાયો, પોલીસ શ્રીનગર મૂકવા જાય તેવી શક્યતા

પોલીસે વધુ રિમાન્ડ નહીં માંગતાં કિરણ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
Updated: Aug 14th, 2023
અમદાવાદઃ PMOના અધિકારી હોવાની ખોટી ઓળખાણ આપીને અનેક લોકોને ઠગનાર મહાઠગ કિરણ પટેલને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરંટથી જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાંથી પોલીસે માંગેલા રિમાન્ડની સામે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયાં હતાં. આજે આ રિમાન્ડ પૂર્ણ થતાં તેને ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આજે વધુ રિમાન્ડની માંગ નહીં કરતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હૂકમ કરવામાં આવ્યો છે. પોલીસ ફરી કિરણ પટેલને શ્રીનગર જાય તેવી શક્યતા છે.
મોરબીના વેપારીએ કિરણ પટેલ સામે ફરિયાદ કરી હતી
કિરણ પટેલ વિરુદ્ધ મોરબીમાં કારખાનામાં પૈસાની લેતી દેતી મુદ્દે વેપારીએ 5 મેના દિવસે ફરિયાદ નોંધાવી હતી. આ માટે મહાઠગે કિરણે GPCBના લાયસન્સ માટે ક્લાસ 1 અધિકારીની ઓળખ આપી હતી જેના પર પણ આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. કિરણ પટેલ સામે મોરબીના વેપારી ભરત પટેલ સાથે છેતરપીંડી કરવાનો આરોપ છે.ઠગ કિરણ પટેલએ વેપારી ભરત પટેલ પાસે 42.86લાખ રૂપિયા લઇ કામ કર્યું ન હતું. કામ થયું ન હોવાથી પૈસા વેપારી પરત માંગતા ટુકડે ટુકડે 11.75 લાખ આપ્યા હતા. 31.11 લાખ રૂપિયા પરત ન આપતા છેતરપીંડી ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસ કિરણને શ્રીનગર પરત મુકવા જાય તેવી શક્યતા
આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જમ્મુ-કાશ્મીરથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડને આધારે કિરણ પટેલને અમદાવાદ લાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ તેના સાત દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. જો કે, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા.ત્રણ દિવસના રિમાન્ડ બાદ આજે કિરણ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. ઉલ્લેખનીય છે કે કિરણ પટેલને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડના આધારે અમદાવાદ લવાયો હોવાથી તેને ફરી શ્રીનગર પાછો મૂકવા જાય તેવી શકયતા છે.