ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા મૌલિન વૈષ્ણવનું ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન

Updated: Aug 15th, 2023
વડોદરા,તા.15 ઓગષ્ટ 2023,મંગળવાર
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ ઉપ પ્રમુખ અને ગુજરાત સેવા દળના પ્રમુખ મૌલિનભાઈ વૈષ્ણવનું ટૂંકી બીમારી બાદ આજે દુઃખદ અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા તા.17મી ઓગસ્ટે સવારે નવ કલાકે અરવિંદ બાગ (સમા-સાવલી રોડ ) તેમના નિવાસસ્થાનેથી નીકળી વડી વાડી સ્મશાને સવારે 10 વાગે પહોંચશે.
સ્વર્ગસ્થ મૌલિનભાઈ વૈષ્ણવ તેમના પિતા અરવિંદરાય વૈષ્ણવની જેમ ફાયર બ્રિગેડના જવાન તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈને અદના કાર્યકર તરીકે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા નું કાર્ય કરતા રહ્યા હતા સાથે સાથે તેઓ સેવાદળને પણ સમગ્ર ગુજરાતમાં મજબૂત બનાવ્યું હતું જ્યારે કોઈપણ કોંગ્રેસના આગેવાનો ગુજરાતની મુલાકાતે આવ્યા હોય અથવા તો કોંગ્રેસના કાર્યક્રમો દરમિયાન સેવાદળ દ્વારા પ્રારંભમાં સલામી અને એકતાનું ગીત ગાવામાં આવતું હતું તેની કાર્યકરોને તાલીમ પણ સ્વર્ગસ્થ મૌલિનભાઈ વૈષ્ણવ આપતા હતા.
મૌલિનભાઈ વૈષ્ણવની કોંગ્રેસના અદના કાર્યકર તરીકે સફળ કામગીરી નિહાળીને કોંગ્રેસના તમામ આગેવાનોના માનીતા કાર્યકર બન્યા હતા ખાસ કરીને સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના એક પરિવાર જન તરીકેની આગવી ઓળખ પણ હતી.
વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ તેઓએ સેવા અદા કરી હતી. તદ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે તેમજ મેરી ટાઈમ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ વર્ષો સુધી સેવા આપી હતી.