ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, હરેશ વસાવાનું રાજીનામું, સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

આ પહેલા હરેશ વસાવાએ સુરતમાં એક બેઠક યોજી હતી
Updated: Sep 16th, 2023
દેશભરમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં રાજકીય પક્ષોએ તૈયારી શરુ કરી દીધી છે, ત્યારે રાજ્યમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. વિધાનસભાની જેમ લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડવાનો સિલસિલો શરુ થયો છે. ગુજરાતમાં વડોદરામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટરોના રાજીનામાં બાદ વધુ એક મોટા નેતાએ રાજીનામું આપીને કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.
હરેશ વસાવાએ પ્રદેશ પ્રમુખના હસ્તે ખેસ ધારણ કર્યો
ગુજરાતમાં કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલના હાથમાં જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે કોંગ્રેસ નેતાઓ રાજીનામું આપીને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાય રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે અને તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. નર્મદા જિલ્લાના રહેવાસી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મંત્રી હરેશ વસાવા સુરત ખાતે ભાજપમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા જ્યા તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે ભગવો ખેસ ધારણ કર્યો હતો. આ પહેલા હરેશ વસાવાએ ભાજપમાં જોડાયા પહેલા એક બેઠક યોજી હતી.
પ્રશાંત પટેલ આવતીકાલે કેસરિયો ધારણ કરશે
આ પહેલા વડોદરામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રણછોડભાઈ પરમારે પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો હતો જેમાં તેમણે કોંગ્રેસના ઉપપ્રમુખ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતું. આ સિવાય અન્ય એક કોર્પોરેટર અનિલ પરમાર તેમજ કોંગ્રેસના વડોદરાના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે પણ રાજીનામું ધરી દીધુ હતું. પ્રશાંત પટેલ આવતીકાલે એક હજારથી વધુ સમર્થકો સાથે કેસરિયો ધારણ કરશે.