ગુજરાતની ફિશિંગ બોટોનાં અપહરણ અટકાવવા બોટોમાં ટ્રાન્સપોન્ડર લગાડાશે

Updated: Sep 2nd, 2023
કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલ પોરબંદરની મુલાકાતે કોસ્ટલ સિક્યુરિટીને તમામ સુરક્ષા એજન્સીઓના તાલમેલથી વધુ મજબૂત બનાવાશેઃ વિવિધ મુદ્ે અધિકારીઓ સાથે સમીક્ષા કરી
પોરબંદર, : કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલે પોરબંદરની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે પોરબંદર સહિત રાજ્યની તમામ ફિશિંગ બોટોમાં ટ્રાન્સપોન્ડર લગાડવામાં આવશે જેનાથી ફિશિંગ બોટના અપહરણના બનાવો અટકશે. તેમણે જુદા જુદા મુદ્દે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.
કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ ગુજરાતની ચાર દિવસની મુલાકાત માટે આવ્યા છે,ત્યારે તેમણે આજે પોરબંદર ખાતે પણ મુલાકાત લીધી હતી અને કોસ્ટગાર્ડ અધિકારીઓ તથા તેના પરિવારજનો માટેના તૈયાર થયેલા મેસનું લોકાર્પણ કર્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ફિશિંગ બોટના અપહરણનો સિલસિલો આગળ વધે નહીં તે માટે માછીમારોમાં જાગૃતિ લાવવી જરૂરી છે અને તેના માટે દરેક બોટમાં ટ્રાન્સપોન્ડર લગાવવા જોઈએ તે અંગે ભાર મૂકવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરિયાઈ સુરક્ષા ચક્રને વધુ મજબૂત બનાવવામાં આવશે, કોસ્ટલ સિક્યુરિટીને તમામ સુરક્ષા એજન્સીઓના તાલમેલથી વધુ મજબૂત બનાવવામાં આવશે અને તેના માટે અનેકવિધ આયોજનો હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ભારતીય કોસ્ટગાર્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રની તેઓ પ્રથમ મુલાકાતે આવ્યા છે અને ચાર દિવસની આ મુલાકાત દરમિયાન વ્યુહાત્મક રીતે સંવેદનશીલ એવા પ્રદેશની મુલાકાતના ભાગરૂપે જુા જુદા મુદ્દે ચર્ચાઓ અધિકારીઓ સહિત મુખ્યમંત્રી સાથે કરી હતી. અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્તરની ઓફશોર સિક્યુરિટી કો ઓર્ડિનેશન કમિટીની બેઠક વિશે પણ તેમણે ચર્ચા કરી હતી અને કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલે સાગર કાંઠે નિરીક્ષણ કરીને દરિયાઈ સુરક્ષાને મુદ્દે કોઈપણ પ્રકારની બાંધ છોડ કરવામાં આવશે નહીં તેવી ખાતરી આપી હતી.
ટ્રાન્સપોન્ડર.. ટ્રાન્સમીટર અને રિસ્પોન્ડરનું સંયોજન
ફિશિંગ બોટના અપહરણનો સીલસીલો અટકાવવા માટેનું ટ્રાન્સપોન્ડર ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ ટ્રાન્સપોન્ડર એ વાચોસ કમ્યુનિકેશન, મોનિટરિંગ અથવા કંટ્રોલ ડિવાઈસ છે જે ઇનકમિંગ સિગ્નલને પસંદ કરે છે અને આપમેળે પ્રતિસાદ આપે છે. આ શબ્દ ટ્રાન્સમીટર અને રિસ્પોન્ડરનું સંયોજન છે. ટ્રાન્સપોન્ડર્સનો ઉપયોગ સામાન્ય રીતે આબ્જેક્ટને શોધવા, ઓળખવા અને શોધવા માટે થાય છે, પરંતુ તેનો ઉપયોગ અન્ય તકનીકોમાં પણ થઈ શકે છે, જેમ કે સંદેશાવ્યવહાર સંકેતો રિલે કરવા માટે ઉપગ્રહોમાં ટ્રાન્સપોન્ડર્સ સામાન્ય રીતે નાગરિક અને લશ્કરી વિમાનમાં અને કારની ચાવી જેવી વસ્તુઓમાં જોવા મળે છે.
અનેક શીપ અને હેલિકોપ્ટરનું સુરક્ષા ચક્ર અપાશે
કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલે વાતચીતમાં એવું જણાવ્યું હતું કે ગુજરાતના દરિયા કિનારાને વધુ મજબૂત સુરક્ષા ચક્ર આપી શકાય તે માટે નવી શીપ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં 28 જેટલા જહાજ છે અને મોટી સંખ્યામાં ડોનિયર હેલિકોપ્ટર છે. હજુ નવા ચાર મોટા જહાજ અને હેલિકોપ્ટર દ્વારા ગુજરાતના સમુદ્રી સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવવા માટે કટિબધ્ધ છે તેમ ઉમેર્યું હતું.