ગળતેશ્વર મહાદેવ મંદિરે જન્માષ્ટમીના પર્વે શ્રદ્ધાળુંઓ દર્શનાર્થે ઉમટી પડયા

Updated: Sep 9th, 2023
– મહીસાગર નદીમાં લોકોએ શ્રદ્ધાની ડૂબકી મારી
– ચુસ્ત પોલીસ બંદોબસ્ત, તરવૈયા સહિતની તૈયારીઓ વચ્ચે ગોકુળઅષ્ટમીનો મેળો સંપન્ન
ઠાસરા : શ્રાવણ વદ આઠમને જન્માષ્ટમીના દિવસે ગળતેશ્વર મહાદેવ મંદિરે ગોકુળઅષ્ટમીનો મેળો ભરાય છે. ગુરૂવારે વહેલી સવારથી જ ગળતેશ્વર મંદિરે રાજ્યભરમાંથી આવેલા શ્રદ્ધાળુંઓ દર્શનાર્થે ઉમટયાં હતાં. હજારોની સંખ્યામાં લોકો આવતા મંદિરે લાંબી કતારો લાગી હતી. મહાદેવના દર્શન કરીને લોકો ગોકળ આઠમના મેળા તરફ પ્રયાણ કરતાં હતાં.
ગળતેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં શ્રદ્ધાળુંઓએ શ્રદ્ધાંની ડૂબકી મારી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા નદીના પટ્ટમાં સૂચનાના હોર્ડિંગ્સ લગાવેલા હતા. તેમજ સ્થાનિક તરવૈયાઓને પણ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તૈનાત કરવામાં આવ્યા હતા. લોકમેળા માટે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવાવાળા વેપારીઓ, લારી-ગલ્લાં, પાથરણાં વાળાઓ બે દિવસ અગાઉ પહોંચી ગયા હતા. લોકોએ મેળામાં ફરીને વિવિધ વસ્તુઓની ખરીદી કરીને આનંદ માણ્યો હતો. સાંજે પવન સાથે વરસાદી ઝાંપટુ પડતા પાથરણાવાળામાં નાસ-દોડ થઈ ગઈ હતી. ઉપરાંત મેળાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી અને કર્મચારી સ્ટાફ, તલાટી સહિતના હાજર રહ્યા હતા.