ખોખરવાડા પાટિયા પાસે કારચાલકે અડફેટે લેતાં ટ્રકના ક્લિનરનું મોત

Updated: Sep 10th, 2023
– કારચાલક સામે ગુનો નોંધાયો
– પંક્ચર ઠીક કરાવી રસ્તો ઓળંગીને આવી રહ્યા હતા ત્યારે ટક્કર મારી
કઠલાલ : અમદાવાદ-ઈન્દોર હાઇવે ઉપર આવેલા ખોખરવાડા પાટિયા નજીકની એક હોટલ પાસે બાલાસિનોરથી અમદાવાદ તરફ જતી ગાડીના ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
મધ્યપ્રદેશથી એક ટ્રકમાં પશુદાણ ભરી રાજકોટના સાપરમાં ખાલી કરવા ટ્રક ડ્રાઈવર અને ક્લિનર જઈ રહ્યા હતા. ત્યારે ખોખરવાડા પાટિયા નજીક ટ્રકમાં પંચર પડતા ટ્રક રોડની સાઈડ પર ઉભી રાખી બન્ને નજીકમાં આવેલા ગેરેજમાં ટાયર પંચર કરાવી રોડ ક્રોસ કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે બાલાસિનોર તરફથી આવતા કારના ચાલકે ટ્રકના ક્લિનર મહંમદ સાઝીમ મેવાતીને ટક્કર મારતા તેઓને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થતાં તેઓને ૧૦૮ દ્વારા કઠલાલ સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબિબ દ્વારા તેઓને મૃત જાહેર કર્યા હતા.
આ અંગે ટ્રક ડ્રાઇવરની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.