ખાનગી વીજળી કંપનીઓને ગુજરાતમાં બખ્ખાં, સરકારે કરોડોની વીજળી ખરીદી

ગુજરાત સરકારે ખાનગી વીજળી કંપનીઓને ધી-કેળાં કરી દીધાં છે. લાંબા, ટુંકા અંતરના અને મધ્યમગાળાના વીજકરાર કરીને ખાનગી પાવર કંપનીઓને માલામાલ કરી દેવામાં આવી છે. માત્ર લાંબા ગાળાના કરાર હેઠળ નોંધાયેલી ચાર મોટી કંપનીઓ પાસેથી સરકારના નિગમે છેલ્લા બે વર્ષમાં ફિક્સ ચાર્જથી 4300 કરોડની વીજળી ખરીદી છે.
પ્રતિ યુનિટ 3.14 થી 6.05 સુધીના વિવિધ દરે વીજળી ખરીદી, અદાણીને પ્રતિ યુનિટ મહતમ ભાવ અપાયો
વિધાનસભામાં રજૂ થયેલા વીજળી ખરીદવા અંગેના એક પ્રશ્નના જવાબમાં ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) એ લાંબાગાળાના કરાર હેઠળની કોસ્ટલ ગુજરાત પાવર પાસેથી બે વર્ષમાં 16500 મિલિયન યુનિટ વીજળી ખરીદીને કંપનીને ફિક્સ ચાર્જ પેટે 1481 કરોડ, અદાણી પાવર મુંન્દ્રા પાસેથી 9000 મિલિયન યુનિટથી વધુ વીજળી ખરીદીને ફિક્સ ચાર્જ પેટે 2350 કરોડ ચૂકવ્યા છે.
એસીબી ઇન્ડિયાને 2200 મિલિયન યુનિટ માટે 235 કરોડ અપાયા
એ ઉપરાંત એસીબી ઇન્ડિયાને 2200 મિલિયન યુનિટ માટે 235 કરોડ અપાયા છે, જ્યારે એસ્સાર પાવર પાસેથી એક વર્ષ માટે 3348 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી છે અને તેને 324 કરોડ અપાયા છે. જો કે આ ગણતરીમાં એનર્જી ચાર્જની રકમ આવતી નથી જે પ્રતિ યુનિટ 5.49 થી 8.03 રૂપિયા થવા જાય છે. એનર્જી ચાર્જની ગણતરી કરવામાં આવે તો આ રકમ ખૂબ વધી શકે તેમ છે.
કરાર હેઠળની છ કંપનીઓ પાસેથી આટલા રૂપિયે વીજળી ખરીદી
આવી જ રીતે ટૂંકાગાળાના કરાર હેઠળની છ કંપનીઓ જેવી કે અદાણી એન્ટરપ્રાઇઝિસ, ટાટા પાવર ટ્રેડીંગ કંપની, પીટીસી ઇન્ડિયા, એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ, મણિકરણ પાવર અને સેમ્બકોર્પ એનર્જી પાસેથી યુનિટદીઠ 3.93 થી 4.22 રૂપિયે વીજળી ખરીદવામાં આવી છે.
મધ્યમગાળાની પાંચ કંપનીઓમાં ટાટા પાવર ટ્રેડીંગ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, સેમ્બકોર્પ એનર્જી, જીએમઆર વરોરા એનર્જી અને મણિકરણ પાવરનો સમાવેશ થાય છે. આ કંપનીઓ પાસેથી 3.14 થી 3.35ના પ્રતિ યુનિટના દરથી પાવર ખરીદવામાં આવ્યો છે. સરકારની વીજ કંપનીએ બિન પરંપરાગત સ્ત્રોત પાસેથી પણ વીજળી ખરીદી છે જેમાં 595 કંપનીઓનો સમાવેશ થાય છે જેમને પ્રતિ યુનિટ 15 રૂપિયા સુધીનો દર ચૂકવવામાં આવ્યો છે.
અદાણીને સૌથી વધુ ભાવ, કેટલાની ખરીદી કરી તેનો જવાબ આપવાનું ટાળ્યું
ઓગસ્ટ 2022થી જુલાઇ 2023 સુધી મુખ્ય 4 કંપનીઓ પાસેથી ખરીદાયેલી વીજળી પૈકીમાંથી સૌથી વધારે ભાવ અદાણી પાવરને ચુકવ્યા છે. ઉર્જા વિભાગ દ્વારા ટૂંકા ગાળાના અને મધ્યમગાળાના કરાર હેઠળ પણ ખાનગી કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની વીજળી ખરીદવામાં આવી છે. તેના કારણે ઉર્જા વિભાગે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી તેનો સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. બિન પરંપરાગત સ્ત્રોત પાસેથી પણ મોટાપાયે વીજ ખરીદી કરવામાં આવી રહી છે.
કંપની | યુનિટ દીઠ ભાવ | ફિક્સ ચાર્જ |
કોસ્ટલ ગુજરાત પાવર | 5.85 | 781 |
અદાણી પાવર | 8.03 | 1405 |
એસ્સાર પાવર | 5.49 | 324 |
એસીબી ઇન્ડિયા | 0.73 | 111 |