કેન્દ્ર સરકાર 18 પ્રકારના કારીગરોને 3 લાખની લોન આપશે, ગુજરાતમાં 4 જગ્યાએ કાર્યક્રમો યોજાશે

0

આગામી 17 સપ્ટેમ્બરે PM મોદી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો પ્રારંભ કરાવશે

વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે પીએમ વિકાસ યોજનાના કાર્યક્રમો યોજાશે

Updated: Aug 31st, 2023

અમદાવાદઃ વડાપ્રધાન મોદી આગામી 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિને કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના થકી શહેરી અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના નાના કારીગરોને નાણાકીય સમાવેશન દ્વારા અર્થવ્યવસ્થામાં જોડવાનું ભગીરથ કાર્ય થવાનું છે. આ યોજનામાં 18 પ્રકારના કારીગરોને આવરી લઇ તેને તાલીમબદ્ધ કરી 3 લાખ સુધીની લોન આપવાનું આયોજન છે. 

આ 18 પ્રકારના કારીગરોનો સમાવેશ કરાયો

પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાને મિતાક્ષરમાં પીએમ વિકાસ નામ આપવામાં આવ્યું છે. જેમાં 18 પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુથાર, બોટ-નાવડી બનાવનાર, સરાણિયા (બખ્તર-ચપ્પુ બનાવનાર), લુહાર, હથોડી અને ટૂલકિટ નિર્માતા,તાળાના કારીગર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, વાળંદ, ટોપલી ટોપલા કે સાવરણીના કારીગર, દરજી, ધોબી, માળી, માછલી પકડવાની જાળી બનાવનારા, પરંપરાગત રમકડાના કારીગર ઉપરાંત સુવર્ણકામ કરનારા કારીગરોને તેમાં આવરી લેવામાં આવ્યા છે. 

લાભાર્થીની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષથી વધુ ન હોવી જોઇએ

પીએમ વિકાસ યોજનાની ટૂંકી વિગતો જોઇએ તો કુટુંબ દીઠ એક વ્યક્તિને તેનો લાભ મળશે. લાભાર્થીની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ કરતા વધુ ન હોવી જોઇએ. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સ્વરોજગાર, વ્યવસાયિક વિકાસ માટે ધિરાણ છે પીએમઇજીપી કે પીએમ સ્વનિધિ જેવી યોજનાનો લાભ ન લીધો હોવો જોઇએ. મુદ્રા અને સ્વનિધિના લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તેને લાભ મળશે. સરકારી નોકરી કરતી વ્યક્તિના પરિવારને લાભ નહી મળે. આ યોજનામાં કેવી રીતે નોંધણી થશે ? આધાર અધિકૃત વેબ પોર્ટલ ઉપર લાભાર્થીઓની નોંધણી કરવામાં આવશે. આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટરમાં પણ આધાર કાર્ડ, રાશનકાર્ડના પુરાવા સાથે નોંધણી કરાવી શકાશે.

15 હજારની ટૂલકિટનો લાભ આપવામાં આવશે

ગ્રામીણ વિસ્તારોના કારીગરો માટે તેમના ધંધાના વ્યાપ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થનારી આ યોજના હેઠળ નોંધણી થયા બાદ પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઇડી કાર્ડ આપવામાં આવશે. કૌશલ્ય ચકાસણી પછી 15 હજારની ટૂલકિટનો લાભ આપવામાં આવશે. બેઝીક અને એડવાન્સ તાલીમ દરમિયાન 500નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તાલીમ બાદ એક લાખની કોઇ પણ જામીનગીરી વિનાની લોન આપવામાં આવશે. તે લોન સમયસર ચૂકવવામાં આવે તો વધુ બે લાખની લોનની સવલત કરી આપવામાં આવશે. વડાપ્રધાન મોદી આગામી 17મીના રોજ આ યોજનાનો પ્રારંભ કરાવવાના છે. વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે આ માટેના કાર્યક્રમ યોજાશે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW