કલ્યાણપુરના વેપારી સાથે છેતરપિંડી પ્રકરણમાં બે શખ્સોની સુરતથી ધરપકડ

0


ડાય પરની એજન્સી – ડીલરશીપ આપવાની બાબતમાં ફસાવી ૧૬ જગ્યાએ છેતરપિંડી કરેલી

પકડાયેલો એક આરોપી ક્રિકેટ સટ્ટામાં રકમ હારી જતા છેતરપિંડીના રવાડે ચડયો હતો, બીજો શખ્સ કોલ કરીને ઓર્ડર લેતો હતો

ગૂગલ સર્ચથી મેડિકલ સ્ટોર ધારકો, સેલ્સ એજન્સીઓ, નોવેલ્ટી ધંધાર્થીઓના મોબાઇલ નંબર મેળવી જાળ બિછાવતા હતા

પકડાયેલા બન્ને શખ્સો મૂળ ભાવનગરના નાગરવાડાના રહીશ, જીએસટી નંબર વાળા બિલો ફોટો મોકલી ટ્રાન્ઝેકશન કરાવી લેતા હતા

જામખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતા એક વેપારી સાથે ડીલરશીપ આપવા બાબતે થયેલી છેતરપિંડીના પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ભાવનગર તથા સુરતના ઉમંગ કિશોરભાઇ ગોહિલ હિતેશ ગોહીલ નામના બે શખ્સોને દબોચી લીધા હતા. આ શખ્સો દ્વારા અગાઉ પણ કરવામાં આવેલી વિવિધ પ્રકારની છેતરપિંડીના એક ડઝનથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

કલ્યાણપુરની મેઈન બજાર વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ગુણવંતરાય અત્રીના મોબાઈલ ફોન પર ગત તા.૧૭ ઓગસ્ટના રોજ ચોક્કસ નંબર ઉપરથી આવેલા ફોનમાં સામે છેડે બોલતા શખ્સ દ્વારા તેણે એક ડાયપર કંપનીના સેલ્સ ઓફિસર અંકિત મોદી તરીકેની ઓળખાણ આપી અને કલ્યાણપુર તાલુકામાં ડાયપરની એજન્સી આપવાની બાબત કહી તેની પાસે ફોન ઉપર ઓર્ડર લઈ ૭૧,૧૬૮નું પેમેન્ટ મેળવી છેતરપિંડી થઇ હતી.

આ પ્રકરણની તપાસ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર સેલને સોંપવામાં આવી હતી. આ પ્રકરણનું પગેરું ભાવનગર તથા સુરત જિલ્લામાં હોવાનું ધ્યાન આવ્યું હતું. આ પ્રકરણમાં સંડોવાયેલા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાગરવાડા વિસ્તારમાં રહેતા હિતેશ શાંતિલાલ ગોહિલ (ઉ.વ. ૨૮) તથા હાલ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને મૂળ ભાવનગરના નાગરવાડાના રહીશ ઉમંગ કિશોરભાઈ ગોહિલ (ઉ.વ. ૨૦) નામના બે શખ્સોની વિધિવત રીતે અટકાયત કરી હતી.

પોલીસ સુત્રોની તપાસમાં આરોપી હિતેશ ગોહિલ છ વર્ષ પહેલા મેમીપોકો પેન્ટ્સ ડાયપર કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. નોકરી છોડયા બાદ આરોપીને ક્રિકેટની લત લાગતા આ શખ્સ ક્રિકેટમાં પૈસા હારી ગયો હતો. ત્યારબાદ લાંબા સમયથી ગૂગલ સર્ચમાં મેડિકલ ધારકો, સેલ્સ એજન્સીઓ તથા નોવેલ્ટીની દુકાનવાળાઓના મોબાઈલ નંબર મેળવી, વિશ્વાસમાં લઈ અને વિવિધ પ્રકારે છેતરપિંડી આચરતો હતો. આટલું જ નહીં, આ શખ્સ ઓનલાઇન છેતરપિંડી આચરવા માટે વેપારીઓને ગેરકાયદેસર રીતે ઓનલાઇન ચાલતા ક્રિકેટ સટ્ટો રમતો હતો. જ્યારે અમુક રકમ તે પોતાની આઈડીમાંથી ઉપાડી લેતો હતો. આ ગુનામાં પકડાયેલો અન્ય આરોપી ઉમંગ ગોહિલ સુરતમાં રહી અને ફરિયાદીને કોલ કરીને પોતે ભાટિયા ડાયપર હાઉસમાંથી બોલું છું તેમ કહી અને ઓર્ડર લેતો હતો. 

 આરોપી દ્વારા છેલ્લા દોઢેક વર્ષના સમયગાળામાં મહુવા, તળાજા, ઉના, પાલીતાણા, બોટાદ, ખંભાળિયા, સહિત આશરે સોળ જેટલા સ્થળોએથી છેતરપિંડી આચરી હતી.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW