કલોલ નગરપાલિકાએ બાયો મેડિકલ વેસ્ટ મામલે શ્રદ્ધા હોસ્પિટલને નોટિસ ફટકારી

પ્રતાપપુરા ડમ્પિંગ સાઈટ પર શ્રદ્ધા હોસ્પિટલે બાયો મેડીકલ વેસ્ટ ઠાલવતા સ્થાનિકોમાં રોષ
Updated: Aug 9th, 2023
કલોલ:કલોલ નગરપાલિકાની પ્રતાપપુરા ડમ્પિંગ સાઈટ પર શ્રદ્ધા હોસ્પિટલ દ્વારા બાયો મેડીકલ વેસ્ટ નાખવા મામલે નગરપાલિકા એક્શનમાં આવી છે. પાલિકાએ શ્રદ્ધા હોસ્પિટલને નોટીસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરી વહીવટી ચાર્જ ભરી જવા સુચના આપી છે. ડમ્પિંગ સાઈટ પર જોખમી કચરો નાખવાને કારણે આસપાસ રહેતા ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર અસર થઇ રહી છે.
રહીશોએ હોબાળો કરતા પાલિકા પ્રમુખ દોડી આવ્યા
કલોલમાં ઔધોગિક કચરો જાહેરમાં નાખવા મામલે ઓળાના ગ્રામજનોએ હોબાળો કર્યો હતો. તેના થોડા સમય બાદ નગરપાલિકાની પ્રતાપપુરા ડમ્પિંગ સાઈટ પર શ્રદ્ધા હોસ્પિટલ દ્વારા બાયો મેડીકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો. જેને પગલે પ્રતાપપુરાના ગામના રહીશો એકત્ર થઇ ગયા હતા. જોખમી બાયો મેડીકલ વેસ્ટ વારંવાર ઠાલવવાને કારણે લોકોનું આરોગ્ય જોખમાયું છે. રહીશોએ હોબાળો કરતા પાલિકા પ્રમુખ દોડી આવ્યા હતા અને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. કલોલ નગરપાલિકાએ પ્રતાપપુરા ડમ્પિંગ સાઈટ પર બાયો મેડીકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરવા બદલ શ્રદ્ધા હોસ્પિટલને નોટિસ ફટકારી છે.
હોસ્પિટલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તજવીજ
સરકારી નિયમ મુજબ બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ જાહેર જગ્યા કે ડમ્પિંગ સાઈટ પર કરી શકાય નહીં તેમ છતાં શ્રદ્ધા હોસ્પિટલે બાયો મેડીકલ વેસ્ટ જાહેરમાં નાખીને પબ્લિક હેલ્થ બાયોલોઝ-2016 તથા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ -2017ના નિયમોનો ભંગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા હતા.આ ઉપરાંત દવાખાનાએ બાયો મેડીકલ વેસ્ટના નિયમોનો પણ ભંગ કર્યો હતો. જેને પગલે પાલિકાએ કારણદર્શક નોટીસ ફટકારી ખુલાસો કરવા તેમજ દંડની રકમ ભરી જવા સૂચના આપી હતી. કલોલની શ્રદ્ધા હોસ્પિટલે પ્રતાપપુરા ડમ્પિંગ સાઈટ પર બાયો મેડીકલ વેસ્ટ નાખતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ કલોલ દોડી આવ્યા હતા. અધિકારીઓએ ડમ્પિંગ સાઈટ અને શ્રદ્ધા હોસ્પિટલની મુલાકાત કરી હતી. જીપીસીબી દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.