કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલિયન એકર ફિટ પાણી મળશે, 1.72 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ

0અમદાવાદઃ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના 130 જેટલા ગામોના અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. પાણી આપવાના કામો શરૂ થવાથી હવે નર્મદાપૂરના વહી જતા વધારાના 1 મિલીયન એકર ફિટ પાણીનો જથ્થો કચ્છને આગામી વર્ષ 2025 સુધીમાં મળતો થશે.સૌરાષ્ટ્રમાં ‘‘સૌની યોજના” અને ઉત્તર ગુજરાતમાં “સુજલામ સુફલામ યોજના” અન્વયે આ પાણી પહોચાડવાના મોટા ભાગના કામો પૂર્ણ થયા છે. 

જળ સંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે કામો હાથ ધરાશે

જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જળ સંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે આ કામો હાથ ધરાશે. તબક્કા-1 ના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને કામગીરી પ્રગતિ હેઠળ છે જ્યારે તબક્કા 2 ના કામો માટે ટે‍ન્ડર મંગાવવામાં આવ્યા  છે. જે કામો ટૂંક સમયમાં શરૂ કરાશે. તેમણે ઉમેર્યુ કે, જળ સંપત્તિ વિભાગ દ્વારા કચ્છ જિલ્લા માટે નર્મદાના વધારાના 1 મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટેનું સુવ્યવસ્થિત આયોજન હાથ ધરાયું છે. આ 1 મીલીયન એકરફીટ પાણી, કચ્છમાં આવેલ નર્મદાના હયાત કેનાલ નેટવર્કમાંથી અલગ-અલગ સ્થળેથી મેળવીને પાઈપલાઈન / કેનાલ થકી વિવિધ સિંચાઈ યોજનાઓમાં પાણી પહોંચાડવાનું તબક્કાવાર આયોજન કરાયું છે જેના પરિણામે સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ થશે તેમજ ઘાસચારો, ઢોર-ઢાંખરના પીવા સારૂં વગેરે હેતુસર પાણી વિતરીત થઈ શકશે.

૩૮ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે

કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, કચ્છ જિલ્લામા આ નર્મદાના નીર પહોચે એ માટે બે તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં તબક્કા-1માં ત્રણ અલગ-અલગ ઉદ્દવહન પાઈપલાઈન લીંકો માટે ૪,૩૬૯ કરોડની વહીવટી મંજૂરી જા‍ન્યુઆરી-૨૦૨૨માં આપવામાં આવી હતી. જે યોજનાના બાંધકામ માટેનો ઈજારો આખરી કરી દેવાયો હતો. આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે હેઠળ સધર્ન લીંક અને હાઇક‍ન્ટુર સ્ટોરેજ લીંકથી અંજાર, મુંદ્રા, માંડવી અને ભુજ તાલુકાની ૨૫ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના ૪૭ ગામના ૩૮,૮૨૪ હેક્ટર વિસ્તારને લાભ મળશે. નોર્ધન લીંકથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાની ૧૨ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના ૨૨ ગામના ૩૬,૩૯૨ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. જ્યારે સારણ લીંકથી રાપર તાલુકામાં સારણ જળાશયમાં પાણી ભરવાથી રાપર તાલુકાના ૮ ગામના ૨૯,૦૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ કામગીરી વર્ષ ૨૦૨૫માં પૂર્ણ થતાં કચ્છ જિલ્લાના અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા અને રાપર મળી કુલ છ તાલુકામાં ૩૮ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી ૭૭ ગામના ૧,૦૪,૨૧૬ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. 

તબક્કા-૨ની કામગીરી માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા

જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, બીજા તબક્કા હેઠળની રૂ.૨,૩૦૪.૯૨ કરોડની કિંમતે બે ઉદ્દવહન પાઈપલાઈનોની કામગીરીને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં સધર્ન લીંકથી માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાની ૨૮ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવાથી આ તાલુકાના ૨૮ ગામના ૩૬,૫૧૪ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. ઉપરાંત નોર્ધન લીંકથી નખત્રાણા અને લખપત તાલુકાની ૧૩ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવાથી આ તાલુકાના ૨૫ ગામના ૩૧,૬૮૧ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આમ તબક્કા-૨ની કામગીરી પણ આગામી વર્ષ ૨૦૨૫માં પૂર્ણ કરીને માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા મળી કુલ ચાર તાલુકાની ૪૧ સિંચાઈ યોજનાઓમાં પાણી ભરવાથી   ૫૩ ગામોના ૬૮,૧૯૫ હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ મળશે. તબક્કા-૨ની કામગીરી માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. 

જિલ્લામાં સરેરાશ ૩૪૭ મી.મી. જેટલો વરસાદ પડે છે

કચ્છ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ વિસ્તારની સાથે ભૌગોલિક અને આબોહવાની વિષમતા ધરાવે છે. જિલ્લાના કુલ ૪૫,૬૫૦ ચો.કિ.મી.ના ભૌગોલિક વિસ્તારમાં માત્ર ૮,૦૨૮ ચો.કિ.મી. વિસ્તાર એટલે કે, ૮,૦૨,૮૩૨ હેક્ટર ખેતી લાયક છે જ્યારે ૩,૮૫૫ ચો.કિ.મી. રણ, ૩,૦૬૭ ચો.કિ.મી. જંગલ અને બાકીનો વિસ્તાર ગૌચર / પડતર / ઉજ્જડ વગેરે પ્રકારનો છે. આ જિલ્લામાં સરેરાશ ૩૪૭ મી.મી. જેટલો વરસાદ પડે છે જે રાજ્યના સરેરાશ વરસાદ કરતાં લગભગ અડધો છે તદ્દઉપરાંત અલગ-અલગ તાલુકાઓમાં આ વરસાદ પણ ઓછા-વત્તા પ્રમાણમાં અનિયમિત રીતે પડે છે. જોકે છેલ્લા બે ત્રણ વર્ષમાં કચ્છમાં પૂરતા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં ૨૦ જેટલી મધ્યમ સિંચાઈ યોજના, ૧૭૦ જેટલી નાની સિંચાઈ યોજના અને ૫૫ જેટલા બંધારાઓ થકી ૨,૫૨,૦૦૦ હેક્ટર જેટલો વિસ્તાર તથા નર્મદાની કેનાલ દ્વારા ૧,૧૨,૮૦૦ હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈ માટે આવરી લેવાયો છે. 

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW