આવી રીતે ભણશે ગુજરાત? રાજ્યમાં 88 યુનિવર્સિટીઓ અને 2371 કોલેજો પાસે NAACની માન્યતા નથી

રાજ્યમાં માત્ર 20 યુનિવર્સિટી અને 97 કોલેજ પાસે NAACની માન્યતા છે
ગુજરાતની 926 સ્કૂલો માત્ર એક જ શિક્ષકથી ચાલતી હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું
Updated: Sep 14th, 2023
અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલથી પેપરલેસ વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ ગૃહમાં સત્રની કામગીરી શરૂ થઈ હતી. આજે વિધાનસભા ગૃહમાં કામગીરીના બીજા દિવસે કોંગ્રેસે સરકારને ઘેરવા આક્રમક તેવર અપનાવ્યા હતાં. કોંગ્રેસના ધારસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોલેજો અને યુનિવર્સિટીને NAACની માન્યતાનો સવાલ કર્યો હતો. બીજી તરફ રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ઘટનો મુદ્દો પણ ગૃહમાં ઉઠ્યો હતો.
20 યુનિવર્સિટી અને 97 કોલેજ પાસે NAACની માન્યતા
કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)ની માન્યતાને લઈને સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે, ગુજરાતમાં 88 યુનિવર્સિટીઓ અને 2371 કોલેજો પાસે NAACની માન્યતા નથી અને 20 યુનિવર્સિટી અને 97 કોલેજ પાસે NAACની માન્યતા છે. બાકી રહેલી યુનિવર્સિટી અને કોલેજને માન્યતા મેળવવા માટે સૂચના આપવામાં આવી છે.
ગુજરાતની 926 સ્કૂલો માત્ર એક જ શિક્ષક
બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને પણ સવાલ જવાબ થયાં હતાં. વિપક્ષના સવાલોના જવાબ આપતાં સરકારે શિક્ષકોની ઘટ અંગે કબૂલાત કરી છે. ગુજરાતની 926 સ્કૂલો માત્ર એક જ શિક્ષકથી ચાલતી હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી સૌથી વધુ શાળાઓ કચ્છ જિલ્લા અને મહીસાગર જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત તાપી, નર્મદા અને બનાસકાંઠામાં પણ એક જ શિક્ષક ધરાવતી સ્કૂલોની સંખ્યા 50 કરતાં વધારે છે.