આગામી 10 દિવસ માટે વડોદરા શહેર શ્રીજીમય બનશે : ઇકો ફ્રેન્ડલી-માટીના શ્રીજી સ્થાપનનો ક્રેઝ વધ્યો, ભાવ બમણા થયા

Updated: Sep 16th, 2023
image : twitter
વડોદરા,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર
વડોદરા શહેરમાં શ્રીજીની આગામી દસ દિવસ માટે આન-બાન શાનથી ભક્તિ આરાધના અને પૂજા વિધિ કરવા માટે શ્રીજી ભક્તોમાં થનગનાટ છે. ત્યારે બે દિવસ બાદ આગામી તા.19 થી સમગ્ર શહેરીજનો શ્રીજીમય બનશે. જોકે ગત વર્ષના પ્રમાણમાં ઇકો ફ્રેન્ડલી- માટીના શ્રીજીની મૂર્તિના ભાવ ડબલ જેવા થઈ ગયા છે ત્યારે મૂર્તિ સ્થાપન કરવા ઈચ્છુક શ્રીજી મંડળો પણ કોઈ કસર છોડવા માંગતા નથી. શહેરના મોટાભાગના તમામ ચાર રસ્તે શ્રીજીની પ્રતિમાઓનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે અગાઉથી શ્રીજી મૂર્તિના ઓર્ડર નોંધાવનારાઓ ભીડભાડથી બચવા માટે નિયત નક્કી કરાયેલી શ્રીજીની મૂર્તિ વિવિધ શ્રીજી મંડળના અગ્રણીઓ સહિત સ્થાનિકો સાથે ડીજેના તાલે ગરબા અને નૃત્ય કરતા પોતપોતાના પંડાળોમાં શ્રીજીનું સ્થાપન કરીને પડદો પાડી દેતા હોય છે. 10-10 દિવસ સુધી શ્રીજી ભક્તો દ્વારા ભવ્ય આતિથ્ય માણ્યા બાદ આગામી તા.28મીએ શહેરમાં ચારે બાજુએ બનાવાયેલા સૌથી નજીકના કૃત્રિમ તળાવમાં પૂજા અર્ચન અને આરતી બાદ શ્રીજી મૂર્તિ નું વિસર્જન કરાશે.
શહેરના મોટાભાગના તમામ રસ્તાઓ આજથી જ વિવિધ મંડળો સહિત સ્થાનિક રહીશો ડીજે અને ઢોલ નગારા ના તાલે વિવિધ વિસ્તારમાંથી નિયત સ્થળે જઈને નાની મોટી શ્રીજીની મૂર્તિઓ બળદ ગાડા કે પછી ખુલ્લા ટેમ્પોમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ડીજે અને ઢોલ નગારા ત્રાસાના તાલે નાચગાન અને ગરબા ગાતા ખેલ ખેલ જોવા મળે છે.
જોકે ચાલુ વર્ષે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી હોવાથી મંડળના આયોજકો શ્રીજી મૂર્તિનેને વરસાદથી કોઈ નુકસાન ન થાય એ બાબતે ખાસ કાળજી લઈને પ્લાસ્ટિક થી ઢાંકીને લઈ જતા જોવા મળ્યા હતા. શહેરમાંથી પસાર થતી તમામ શ્રીજી શોભાયાત્રા પોતપોતાના પંડાળો સુધી પહોંચે એ અંગે શહેર પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે. શ્રીજી સ્થાપન શોભાયાત્રા પંડાળ સુધી પહોંચે ત્યારે સતત પોલીસ બંદોબસ્ત સાથે હોય છે.
આ ઉપરાંત આગામી 10 દિવસ માટે શહેરના અતિ સંવેદન તથા સંવેદન વિસ્તારમાં પણ પોલીસે સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કરી દીધું છે. જો કે અમુક ચોક્કસ વિસ્તારમાંથી શ્રીજી વિસર્જન શોભા યાત્રા નીકળે ત્યારે તકેદારીના પગલાં રૂપ પોલીસ રહેશે. શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રોનની મદદથી પણ શોભાયાત્રા પર વોચ રખાશે.
આ ઉપરાંત શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે અગાસી ઉપર ક્યાંય પથ્થરોનો ઢગલો હોય તો પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તેને હટાવી લેવા તાકીદ કરી કરવામાં આવી છે.શ્રીજી મૂર્તિ સ્થાપન શોભા યાત્રા શ્રીજી મૂર્તિ સાથે પંડાલ સુધી જાય ત્યાં એ રસ્તા પર પણ ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર જોવા મળે છે પરંતુ શ્રીજીની મૂર્તિ આગળ હોવાથી વાહનચાલકો પણ પોતાના વાહનો ધીમા હંકારી સહયોગ આપતા નજરે પડે છે.
જોકે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ ડીજેનો અવાજ નિયંત્રિત રાખવા ખાસ સુચના આપવામાં આવી છે અને રાત્રે પણ 10 વાગ્યા બાદ ડીજે સહિત લાઉડ સ્પીકરનો પણ યોગ નહીં કરવા ખાસ તાકીદ કરી છે.