અમદાવાદમાં HL કોલેજ પાસે નબીરાએ ત્રણ લારીઓ પર કાર ચડાવી, એક બાળકી અને યુવક ઈજાગ્રસ્ત

ટ્રાફિક પોલીસે અકસ્માત કરનારની કાર જપ્ત કરીને નબીરા સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી
HL કોલેજ પાસે આજે સદનસીબે ભીડ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ
Updated: Sep 14th, 2023
અમદાવાદઃ શહેરમાં તથ્ય પટેલે ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખ્યા હતાં. ત્યાર બાદ પોલીસે નબીરાઓને ઓવરસ્પિડ ડ્રાઈવિંગ કરતાં અટકાવવા માટે અભિયાન ચલાવ્યું હતું. એવામાં પોલીસે દારૂ પીને કાર ચલાવતાં બે નબીરાઓએ અકસ્માત કરતાં પોલીસે તેમની જાહેરમાં સર્વિસ કરી હતી. જેનાથી ઓવરસ્પિડમાં જતાં નબીરાઓની શાન ઠેકાણે આવી શકે. પરંતું શહેરમાં હજી નબીરાઓને પોલીસ અને કાયદાનો ડર રહ્યો નથી. અમદાવાદની એચ એલ કોલેજ પાસે એક નબીરાએ પુરપાટ ઝડપે કાર ચલાવીને ત્રણ લરારીઓને ઠોકી દીધી હોવાનો બનાવ બન્યો છે.
ટ્રાફિક પોલીસે અકસ્માત કરનારની કારને ક્રેનથી ટો કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની એચ એલ કોલેજ પાસે એક નબીરાએ પુરપાટ ઝડપથી કાર ચલાવીને ખાણીપીણીની લારી લઈને વેપાર ધંધો કરતાં લોકોની ત્રણ લારીઓ ઉડાવી દીધી હતી. તેમજ રસ્તા પર જતી એક બાળકી અને યુવકને પણ અડફેટે લીધા હતાં. બંને જણાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. ટ્રાફિક પોલીસે અકસ્માત કરનારની કારને ક્રેનથી ટો કરી હતી. હાલમાં કાર ચાલક નબીરા સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
ખાણીપીણીની ત્રણ લારીઓને કાર અથડાવી હતી
એચએલ કોલેજનો વિસ્તાર હોવાથી ત્યાં રોજ વધુ પ્રમાણમાં લોકોની ભીડ રહે છે. કોલેજ હોવાથી વિદ્યાર્થીઓની ભીડ વધારે જોવા મળે છે. આ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ ઉભી રહેતી હોવાથી લોકો વધુ પ્રમાણમાં ત્યાં આવતા હોય છે. ત્યારે આજે નબીરાએ ખાણીપીણીની ત્રણ લારીઓને કાર અથડાવી હતી. જેમાં રસ્તે પસાર થતી એક બાળકી અને એક યુવકને ઈજા પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ વિસ્તારમાં સદનસીબે આજે ભીડ ઓછી હોવાથી મોટી અને ગંભીર દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. પોલીસ આવા નબીરાઓ સામે હવે શું કાર્યવાહી કરશે એ તો સમય જ બતાવશે.