અમદાવાદમાં સોનીની દુકાનમાં નજર ચૂકવીને ચોરી કરતી મહિલા ઝડપાઈ, સોનાની 202 નંગુ ચુની જપ્ત કરી

ક્રાઈમ બ્રાંચે પાંચ વર્ષ પહેલાં નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ઉકેલી નાંખ્યો
Updated: Aug 31st, 2023
અમદાવાદઃ શહેરમાં ચોરી કરતી મહિલાઓની ગેંગ સક્રિય થઈ ગઈ છે. શહેરમાં સોનીની દુકાનમાં નજર ચૂકવીને દાગીનાની ચોરી કરતી મહિલાઓ સક્રિય થઈ ગઈ છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે નરોડા પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ પહેલાં નોંધાયેલ ગુનો ઉકેલી નાંખીને જ્વેલર્સની દુકાનમાંથી ચોરી કરનારી મહિલા ગેંગની એક મહિલાને પકડી પાડી છે અને તેની પાસેથી 1.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સોનીની નજર ચૂકવીને ચુનીનો ડબ્બો ચોરી કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે 2019માં અમદાવાદમાં જ્યોત્સના દંતાણી, પ્રવિણ દંતાણી, પ્રવિણની પત્ની ગુડ્ડીબેન દંતાણી સોલા સિવિલથી નીકળીને નરોડા આવ્યા હતાં. નરોડા પેટ્રોલ પંપની સામે આવેલ નવકાર જ્વેલર્સમાં તેઓ ચોરી કરવા માટે ગયા હતાં. દુકાનમાં હાજર સોનીએ તેમને સોનાની ચુની બતાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જ્યોત્સનાએ સોનીની નજર ચૂકવીને ચુનીનો ડબ્બો ચોરી કર્યો હતો. આ બાબતે સોની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સોનાની 202 નંગ ચુનીઓ જપ્ત કરાઈ
ક્રાઈમ બ્રાંચની ટીમને આ પ્રકારના ગુનાઓ ઉકેલવા માટેની સૂચના મળતાં ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે કાજલ ઠાકોર નામની મહિલાની જમાલપુર ઢાળની પોળ પાસેથી ઝડપી પાડી હતી. તેની પાસેથી પોલીસે સોનાની 202 નંગ ચુનીઓ જેની કિંમત 1 લાખ 67 હજાર 600ની થાય છે તે જપ્ત કરી હતી. આ મહિલા સામે નારોલ પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ગુનાઓ નોંધાયેલા છે.