અમદાવાદમાં લુખ્ખા તત્વોનો આતંકઃ ઘાટલોડિયામાં બે હોટેલ માલિકોને નાશ્તાના પૈસા માંગવા બાબતે માર માર્યો

લુખ્ખાઓએ હોટેલ માલિકોને કહ્યું કે આ એરિયામાં ધંધો કરવો હોય તો મારી પાસે નાશ્તાના પૈસા નહીં માંગવાના
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
Updated: Aug 31st, 2023
અમદાવાદઃ શહેરમાં અસામાજિકતત્વો બેફામ બન્યાં છે. કાયદો વ્યવસ્થા સાચવવાની વાત કરતી પોલીસનો આવા લુખ્ખા તત્વોને કોઈ ડર રહ્યો નથી. શહેરમાં સામાન્ય વેપારીઓ અને હોટેલ માલિકો સાથે વારંવાર દાદાગીરી કરતાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં બે હોટેલ પર સ્થાનિક લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. હોટેલ માલિકને પૈસાની લેતી દેતી અને નાશ્તો નહીં આપવા બાબતે માર માર્યો હોવાની બે ફરિયાદો ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે કિર્તનભાઇ ગજ્જર પંજાબી હ” નામના સ્ટોલ પર વેપાર ધંધો કરે છે. બે દિવસ પહેલા મોડી રાત્રે તેઓ સ્ટોલ પર હાજર હતાં તે સમયે સ્ટોલની સાફસફાઇ ચાલુ હતી તે વખતે વિશાલ દેસાઇ સ્ટોલ ઉપર આવ્યો હતો અને કહેતો હતો કે નાસ્તો આપ. જેથી કિર્તનભાઈએ તેને કહેલ કે સ્ટોલ બંધ થઇ ગયેલ છે અને સ્ટોલની સાફ સફાઇનું કામ ચાલું છે હાલમાં નાસ્તો નથી. વિશાલ ઉશ્કેરાઇ ગયો હતો કેમ નાસ્તો આપતો નથી તેમ કહી ફરિયાદીને ગાલ ઉપર બે-ત્રણ લાફા મારી દીધા હતા. તેણે સ્ટોલ આગળ પડેલ સાઇકલ ઉંચકીને ફરિયાદી ઉપર ફેંકી હતી. જેના કારણે મોટુ નુકસાન થયું હતું. ત્યારબાદ તેની પાસે રહેલ છરી જેવુ હથીયાર કાઢીને જણાવેલ કે તારે આ વિસ્તારમાં ધંધો કરવો હોય તો મારી પાસે નાસ્તાના પૈસાની માંગણી કરતો નહી અને જો ફરીથી પૈસા માગીશ તો તને આ છરી વડે જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિશાલ અગાઉ પણ અવાર-નવાર સ્ટોલ ઉપર આવી નાસ્તો લઈ જતો અને પૈસા આપતો નહોતો અને ધાકધમકી આપતો હતો. પોલીસે કિર્તનભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવની વાત કરીએ તો અંકુર રાણા ક્રિષ્ના પંજાબી ઢા” નામથી ભાડાની રેસ્ટોરન્ટ ધરાવી વેપાર કરે છે. બે દિવસ પહેલાં રાત્રે અગિયારેક વાગે તેઓ રેસ્ટોરન્ટ ઉપર હાજર હતાં તે સમયે બાબો રબારી રેસ્ટોરન્ટ ઉપર તેના બીજા મિત્રો સાથે જમવા માટે આવ્યો અને જમીને આશરે સાડા અગીયારેક વાગે ઉભા થયેલ અને તેમનુ જમવાનુ બિલ 1300 રૂપિયા બન્યું હતું તેમાંથી તેણે ફક્ત 500 રૂપિયા આપ્યા હતાં. જેથી ફરિયાદીએ તેની પાસે જમવાના બાકીના 800 રૂપિયા માગતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને જેમફાવે તેમ બોલવા લાગ્યો હતો. જમવાના આટલા રુપિયા જ મળશે બીજા રુપિયા નહિ આપુ તારાથી જે થાય તે કરી લે. તેમ કહી રેસ્ટોરન્ટના માલિકના હાથમાંથી મોબાઇલ ફોન ઝુટવી નીચે પછાડી તોડી નાંખ્યો હતો. ત્યાર બાદ કહ્યું હતું કે, મારી પાસે બીજા પૈસા માગીશ નહિ અને જો માગીશ તો અહીયા ધંધો નહિ કરવા દઉં તેમ કહી તે ત્યાંથી જતો રહ્યો હતો.
ત્યારબાદ ફરીથી આ બાબો રબારી પરત મારી રેસ્ટોરન્ટ ઉપર આવેલ અને મને કહેવા લાગેલ કે તું કેમ મારી પાસે જમવાના પૈસા માગે છે તેમ કહીને રેસ્ટોરન્ટના માલિકને જેમફાવે તેમ ગાળો બોલતો હતો. તેણે ફરિયાદીને ગાલ ઉપર ચાર-પાંચ લાફા માર્યા હતાં. ત્યારબાદ તેણે ચુલા ઉપરથી તંદુરી રોટલી પકવવાનો સળીયો લઇને રેસ્ટોરન્ટના માલિકને મારવા આવ્યો હતો અને પોલીસ કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો. અગાઉ પણ તેણે આ પ્રકારે દાદાગીરી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતાં. રેસ્ટોરન્ટના માલિકે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.