અમદાવાદમાં લુખ્ખા તત્વોએ નોકરીથી ઘરે જતી યુવતીની છેડતી કરી,વાહનને લાત મારી નીચે પાડી

યુવતીએ ફરિયાદમાં કહ્યું, મને ગંદો ઈશારો કરીને ચલ મેરે સાથ આતી હૈ કહ્યું મે વિરોધ કર્યો તો મારા વાહનને લાત મારી
યુવકે ફરિયાદમાં કહ્યું યુવતી રિક્ષાને અથડાઈને નીચે પડી હતી, મેં જોઈને ચલાવવાનું કહેતા મારી પર ઉશ્કેરાઈ ગઈ
Updated: Aug 31st, 2023
અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાની ગુલબાંગો ફૂંકતી સરકાર સામે મહિલા સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે. રાજ્યમાં અડધી રાત્રે પણ મહિલાઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે જઈ શકતી હોવાના દાવા અનેક વખત કરવામાં આવ્યાં છે. પરંતુ ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત હોવાના પણ અનેક દાખલાઓ સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં નોકરીથી ઘરે જતી યુવતીની છેડતી કરીને તેના વાહનને લાત મારી નીચે પાડી દેવાનો બનાવ સામે આવ્યો છે. છેડતી કરનારા લુખ્ખા તત્વોએ યુવતીના પરિવારના સભ્યોને પણ મુઢ માર માર્યો છે. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીના એક્ટિવાને લાત મારતાં યુવતી નીચે પડી ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સરખેજમાં ફતેવાડી વિસ્તારમાં રહેતી એક યુવતી બોપલના એક સલુનમાં નોકરી કરે છે. આ યુવતી રોજના સમય પ્રમાણે સાંજે સાત વાગ્યે નોકરી પુરી કરીને પોતાના ઘરે જતી હતી. આ દરમિયાન એક એક્સેસ લઇને આવેલા યુવકે યુવતીને ઈશારો કરીને કહ્યું હતું કે, ચલ મેરે સાથ આતી હૈ આ દરમિયાન યુવતીએ તેને ચલ નીકળ અહીંથી કહેતા જ યુવક ઉશ્કેરાયો હતો અને તેણે યુવતીના એક્ટિવાને લાત મારતાં યુવતી નીચે પડી ગઈ હતી અને તેને ઈજા પણ પહોંચી હતી. યુવતીએ આ બાબતે તેના ભાઈ તથા પિતાને જાણ કરતાં તેઓ પહોંચી ગયા હતાં.
યુવતી અને તેના ભાઈ સહિત પિતા પર પાઈપથી હૂમલો
છેડતી કરનાર યુવક તેના મિત્રો સાથે સહેજ આગળ ઉભો હતો. જેને યુવતીના પિતાએ ઠપકો આપતાં ત્રણેક જેટલા યુવાનોએ યુવતી અને તેના ભાઈ સહિત તેના પિતા પર પાઈપથી હૂમલો કર્યો હતો. આ યુવકોએ યુવતીને પણ પગ પર પાઈપો મારી હતી. આ ઘટનાને કારણે એકત્રીત થયેલા લોકોએ યુવતીને જણાવ્યું હતું કે હુમલો કરનાર યુવકો ફૈજાન મહેબુબખાન પઠાણ, તથા તેનો મિત્ર અબ્દુલ ઉસ્માનભાઇ મેમણ અને તેનો સાગરીત હોવાનુ કહ્યું હતું. આ બનાવ સંદર્ભે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસે બંનેની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી
જાહેર રસ્તા પર યુવતીની છેડતી થાય અને તેની તથા તેના પરિવાર પર હૂમલો થાય ત્યારે પોલીસ આરોપીઓને પકડવાની જગ્યાએ તેમને બચાવવાની શંકાસ્પદ ભૂમિકામાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આરોપી યુવકે પણ વેજલપુરમાં ક્રોસ ફરિયાદ કરતાં કહ્યું હતું કે, આ યુવતી રિક્ષાને અથડાઈને નીચે પડી ગઈ હતી. તેને મેં જોઈને વાહન ચલાવવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અને જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલીને મારી સાથે ઝગડો કરવા માંડી હતી. તે ઉપરાંત તેનો ભાઈ અને તેના પિતા પણ મને માર મારવા માંડ્યા હતાં. પોલીસે બંનેની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.