અમદાવાદમાં ફોરેક્સના માધ્યમથી લંડનની કોલેજમાં ફી ભરવાના બહાને 11.52 લાખની છેતરપિંડી

ફરિયાદીને તમારાથી થાય તે કરી લેજો હું તમારા પૈસા પાછા નહીં આપું તેવી ધમકી આપી
લંડનની કોલેજમાં ફીની રકમ ભરીને રિસિપ્ટ મેળવી લીધી અને ત્યાર બાદ ફંડ પરત મેળવી ઠગાઈ કરી
Updated: Sep 5th, 2023
અમદાવાદઃ શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. કોઈપણ સ્કીમ કે પ્રોપર્ટી અથવા તો પછી અન્ય રીતે પૈસાની લેતી દેતીમાં ઠગાઈના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડન ખાતે એડમિશન માટે ફોરેક્સના માધ્યમથી લંડનની કોલેજમાં ફી ભરાવી આપવાનું કહીને ફીની રસીદ વોટ્સએપ પર મોકલ્યું હતું અને બાદમાં ફીનું ફંડ રીફંડ મંગાવી લઈને 11.52 લાખની છેતરપિંડી આચરી હતી. આ ઘટનાની ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
એજ્યુકેશન કન્સલ્ટન્સીમા પ્રોસેસ કરાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણેરમેશભાઇ પટેલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મારા દીકરા મિતુલે કોમ્પ્યુટર એંજીનીયરીંગનો અભ્યાસ કર્યો છે અને વધુ અભ્યાસ માટે લંડન જવાનુ હોવાથી લંડનમા કોઈ સારી કોલેજમા પ્રવેશ મેળવવા માટે તેમજ તેની ફી કેવી રીતે ભરવી તેની શોધખોળ ચાલુ કરી હતી. ત્યાર બાદ મારા દીકરા મિતુલે નવભારત ઓવરસીસ એજ્યુકેશન કન્સલ્ટન્સીની ઓફિસનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ લંડન ખાતેની કોલેજમા એડમીશન લેવાની આ એજ્યુકેશન કન્સલ્ટન્સીમા પ્રોસેસ કરાવી હતી.
ફી ભર્યાની રિસિપ્ટ મોકલીને પૈસા રીફંડ મેળવી લીધા
ત્યાર બાદ મારા પુત્રએ ઉપરોક્ત એજ્યુકેશન કન્સલ્ટન્સીમા પ્રોસેસ કરાવેલ અને યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનનો ઓફર લેટર તેમજ કેટલી ફીસ ભરવાની છે તે બાબતેની વિગત નિખીલ બાજરીયાના મોબાઈલ પર વોટસઅપ કરી હતી. ત્યાર બાદ નીખીલ બાજરીયાએ અમારા પુત્રને વોટસએપથી જાણ કરેલી કે દર્શીત રૈયાણીએ ફોરેક્ષના માધ્યમથી તમારી લંડન ખાતેની કોલેજમા ફીસ ભરી દીધી છે જે ફીસ ભર્યાની 11.52 લાખની રીસીપ્ટ દર્શીત રૈયાણીએ તેમને મોકલાવેલ તે રીસીપ્ટ નીખીલ બાજરીયાએ મારા પુત્રના મોબાઈલ વોરસઅપ પર મોકલાવેલ જે લંડનની કોલેજમા ફીસ ભરાઇ ગયેલ છે તે રીસીપ્ટ મારા દીકરાએ મને બતાવેલ જેમાં ઉપરોક્ત કોલેજનો સિકકો મારેલ હતો જેથી અમોને ખાત્રી થયેલ કે મારા પુત્રની ફીસ ભરાઈ ગયેલ છે અને ઉપરોક્ત કોલેજમાં એડમીશન થઈ ગયેલ છે.
આરોપીએ ફરિયાદીને ધમકી આપી
ત્યાર બાદ નીખીલ બાજરીયાએ મારા દીકરાને ફોન કરી જણાવેલ કે, રૈયાણીએ લંડનની કોલેજમાં ફી ભરી હોય જેથી તેઓનુ પેમેન્ટ તેમને ચુકવી આપજો. જેથી અમે RTGS મારફતે ચુકવી આપ્યા હતા. ત્યાર બાદ ઘણા દિવસ થયા છતા મારા દીકરાને કોલેજમાંથી કોઇ પ્રત્યુતર ના આવતા એજ્યુકેશન કન્સલ્ટન્સીમા પુછપરછ કરાવતા જાણવા મળ્યું હતું કે, દર્શિત રૈયાણીએ જે ફી ભરી હતી તે પરત રીફંડ મંગાવી લીધી છે. આ બાબતે મારા દીકરાએ આ નિખીલ બાજરીયાને જાણ કરી હતી. નિખીલ બાજરીયાએ દર્શીત રૈયાણીને અમદાવાદ બોલાવેલ અને તે અમારા ઘરે આવેલ અને આ બાબતે મને તથા મારા દીકરાને કોઈ ચોકકસ જવાબ આપેલ નહીં. તેણે કહ્યું હતું કે, તમારાથી થાય તે કરી લેજો હુ તમારા પૈસા ચાઉં કરી ગયો છું અને હવે તમારા પૈસા આપવાનો નથી તમારે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકો છો હું તમને તમારી એકપણ રકમ પરત આપવાનો નથી તેવી ધમકી આપી હતી.