અમદાવાદમાં એસ્ટ્રોલોજિસ્ટને ED ના ડિરેક્ટરની ઓળખ આપી, ગઠિયો ટેન્ડરનું કામ કરવાના બહાને દોઢ કરોડ લઈ ફરાર

ગઠિયો રાતો રાત મકાન ખાલી કરીને જતો રહેતા તેની સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
Updated: Aug 8th, 2023
અમદાવાદઃ તાજેતરમાં જ પીએમઓનો અધિકારી હોવાની ડિંગો હાંકતો મીસ્ટર નટવરલાલ કિરણ પટેલ કાયદાના સકંજામાં આવી ગયો છે. તેણે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે. ત્યારે હવે ED ના ડિરેક્ટર તરીકે ઓળખ આપીને મકાનમાં ભાડે રહેવા આવ્યો અને ટેન્ડરનું કામ કરી આપવાના બહાને દોઢ કરોડ લઈને ફરાર થઈ ગયો હતો. જેની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
દિવ્યાંગ નામનો એજન્ટ મકાન માટે મળવા આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે થલતેજ વિસ્તારમાં રહેતા ઝરણાબેન છેલ્લા સાડા ત્રણ વર્ષથી સેટેલાઇટ વિસ્તારમાં આવેલ નવગ્રહ મંડળની ઓફિસમાં સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નોકરી કરે છે. ઓફિસના માલિક ડો. રવિ રાવ છે. જેમની ઓફિસમાં એસ્ટ્રોલોજી અને પૂજા વિધી કરવાનું કામકાજ કરવામાં આવે છે. વિક્રમનગર કોલોની સામે આવેલ તેમના શેઠની માલિકીનું મકાન ભાડે આપવાનું હોવાથી તેમણે ત્રણ ચાર એજન્ટોને આ મામલે વાતચીત કરી હતી. ગત માર્ચ મહીનામાં દિવ્યાંગ નામનો એજન્ટ એક વ્યક્તિને લઇને તેમની ઓફિસ આવ્યો હતો અને મકાન ભાડે આપવા અંગે ચર્ચાઓ કરી હતી.
મકાન લેનારે ED ના ડિરેક્ટર તરીકે ઓળખ આપી
દિવ્યાંગે આ વ્યક્તિનું નામ ઓમવીરસિંહ હોવાનું જણાવ્યું હતું. ઓમવીરસિંહે પોતે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર હોવાની ઓળખાણ આપી હતી. તેમણે આપેલ વીઝીટીંગ કાર્ડમાં ઓમવીરસિંહ I.R.S, એડીશનલ ડાયરેક્ટર એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને હેડ ઓફિસ તથા ઝોનલ ઓફિસનું સરનામું ન્યુ દીલ્હીનું લખ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે બંન્ને મકાન જોવા માટે આવ્યા હતાં. જ્યાં મકાન પસંદ પડતા ભાડા કરાર કરીને 11 મહીના માટે માસિક રૂપીયા 2 લાખના ભાડા પેટે મકાન ભાડે આપ્યું હતું. ત્યારબાદ આશરે પંદરેક દિવસ બાદ ઓમવીરસિંહે મકાનમાં તેમના નવગ્રહ મંડળ મારફતે સેવા પૂજા કરાવી હતી.
અચાનક જ મકાન ખાલી કરીને જતો રહ્યો હતો
તે વખતે તેમણે ફરિયાદીના શેઠને કહ્યું હતું કે તેમની ખૂબ મોટી મોટી ઓળખાણો છે કંઇ કામકાજ હોય તો કહેજો. જેથી ફરિયાદીના શેઠે તેમના ક્લાયન્ટના કોઇ કામકાજના ટેન્ડરનું કામ કરાવી આપવા માટે વાતચીત કરતાં તેણે કામ કરાવી આપવાનો ભરોસો આપ્યો હતો. આ કામ કરાવી આપવા માટે તેમણે રૂપિયા 1.5 કરોડ આપ્યા હતાં. જોકે ત્યારબાદ ઓમવીરસિંહે અનેક વાયદાઓ કરીને કામ કરી આપ્યું ન હતું. અચાનક જ મકાન ખાલી કરીને જતો રહ્યો હતો. જોકે અનેક વાયદાઓ બાદ રૂપિયા પરત ના આપતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.